ગીર સોમનાથમાં કોરોનાને નાથવા ડોર ટુ ડોર સર્વેની કામગીરી અંતિમ તબકકામાં

એક તરફ દેશમાં કોરોના વેક્સિનનું અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહૃાું છે. તો ગીર સોમનાથ જિલ્લામાં પણ ડોર ટુ ડોર સર્વે કરી સિનિયર સિટીઝનો અને ગંભીર રોગથી પીડાતા નાગરિકોની માહિતી એકત્ર કરવા માટે તંત્ર દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી સફળતાપૂર્વક થાય તે માટે જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટી-આરોગ્ય તંત્ર સુયોજીત માળખું તૈયાર કરવાની કામગીરી કરી રહૃાું છે. જિલ્લાના છ તાલુકામાં વેક્સિનેશનની કામગીરી માટે આરોગ્ય વિભાગની કુલ ૭૫૦ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧,૨૭,૩૨૮ લોકોના નામની નોંધણી કરવામાં આવી છે.

જિલ્લામાં મતદાર યાદી મુજબ ૫૦ વર્ષથી વધુ ઉંમરના ૨,૫૩,૧૫૫ નાગરિકો છે. જેમાંથી ૧,૨૭,૩૨૮ જેટલા નાગરિકોની માહિતી એકત્ર કરાઇ ચૂકી છે. આ ઉપરાંત ૫૦ વર્ષથી નીચેના અને કિડની ,હદય, અને કેન્સર જેવા ગંભીર રોગોથી પીડીત નાગરિકો માટેની પણ યાદી તૈયાર કરવાની કામગીરી ૬૪ ટકા જેટલી પુરી થઇ ચુકી છે. જે મુજબ જિલ્લામાં કુલ ૬,૫૨,૧૨૭ માંથી ૪,૧૭,૩૧૭ નાગરીકોનો સર્વે કરાયો છે. જેમાંથી ૫,૦૪૩ નાગરિકો બિમારીથી પીડીત હોવાથી તેઓને અગ્રતા મુજબ વેક્સિન આપવામાં આવશે.

રાજ્ય સરકારની સુચના મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ચાર તબક્કામાં વેક્સિનેશનની કામગીરી કરવાનું આયોજન કર્યુ છે. જેમાં પ્રથમ તબક્કામાં ૬,૧૭૧ જેટલા હેલ્થ વર્કરોને, બીજા તબક્કામાં કોવિડ વોરીયર્સ એવા ૧૦ હજાર પોલીસ અને અન્ય વિભાગના સરકારી કર્મચારીઓને વેક્સિનેશન કરવાનું આયોજન કરાયું છે. ત્રીજા અને ચોથા તબક્કામાં સિનિયર સિટીઝન અને રોગિષ્ટ નાગરિકોને વેક્સિનેશન કરવાનું આયોજન કરાયું છે. ઇણાંજ ખાતે જિલ્લા સેવા સદન ખાતે વેક્સિન માટે સ્ટોરેજ સેન્ટર બનાવાશે.