ગીરનાર નેચર સફારીના રિસેપ્શન સ્થળે લટાર મારતો સિંહ કેમેરામાં કેદ


ગીરનાર નેચર સફારી પાર્ક શરૂ થયાના ગણતરીના દિવસોજ થયા છે. ત્યારે પ્રવાસીઓને મનભરીને સિંહ દર્શનનો લ્હાવો મળી રહયો છે. તેના વારંવાર અનેક વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહૃાા છે. દરમિયાન ગઇકાલે વહેલીસવારે જંગલના રાજા સિંહ પ્રવાસીઓનું સ્વાગત કરવા સામેથી સફારી પાર્કના રિસેપ્શન સ્થળ સુઘી પહોંચી લટાર મારતા નજરે પડતા હતા. જે નજારો નિહાળી પ્રવાસીઓ રોમાંચિત થયા હતા.

ગીરનારની ગોદમાં પ્રકૃતિની વચ્ચે સિંહ દર્શન કરવાનો લ્હાવો લેવો એક અનેરો મોકો હોય છે. તેવામાં વહેલી સવરમાં જ જો જંગલના રાજા સિંહ સામેથી આવીને દર્શન આપે તો સોનામાં સુગંધ મળી જાય છે. ગઇકાલે રવિવારે વહેલીસવારે આવું જ કંઇક જૂનાગઢમાં નેચર સફારી પાર્કના એન્ટ્રી ગેઇટ પાસે બન્યુ હતુ. જેમાં ગઇકાલે સવારે પ્રવાસીઓ ગીરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન માટે રિસેપ્શન સ્થળ પર પહોચેલ ત્યારે દૂર અંધારામાંથી એક ડાલમથ્થો સાવજ હુંકાર ભરતો સામેથી આવી પહોચ્યો હતો.

સિંહએ રસ્તા પર લટાર મારીને રિસેપ્શન સ્થળની દિવાલ કુદીને અંદૃર આંટાફેરા મારી ધીમે ધીમે જંગલ તરફ જતો રહૃાો હતો. આ સમગ્ર નજારો કોઇ પ્રવાસીએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ સફારી શરૂ થતા અંદર મુલાકાતે ગયેલ પ્રવાસીઓને સૂર્યના કિરણો વચ્ચે મોર્નિંગ વોક કરતા બે સિંહો જોવા મળ્યા હતા. આમ, રવિવારે પ્રવાસીઓને જૂનાગઢ નેચર સફારી ખાતે મનભરીને સિંહ દર્શનનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયો હતો.