આઈએસઆઈ માર્કાનો દુરઉપયોગ કરતા એકમો પર બીઆઈએસ વિભાગની તવાઈ

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિભાગ દ્વારા લાઈસન્સ વિનાં આઈએસઆઈ માર્કા સાથેનાં ઈલેક્ટ્રીક કેબલનું વેચાણ કરતા એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે.

બીઆઈએસ વિભાગે અમદાવાદ જિલ્લાનાં દસક્રોઈમાં આવેલા બાકરોલમાં ગોપાલ ચરણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સ્વાગત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેબલ બનાવતી ચાર કંપનીઓમાં રેડ કરી હતી. આ રેડ દરમ્યાન બીઆઈએસ વિભાગને મોટી માત્રામાં ગેરરીતી જોવા મળી. તેમજ નકલી આઈએસઆઈ માર્કા લાગેલા અલગ અલગ બ્રાન્ડનાં ૧.૫૦ લાખ મીટરથી પણ વધુ કેબલો મળી આવ્યા હતા.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ વિભાગે ગુરુદેવ ઈન્ડસ્ટ્રીઝમાંથી ૫૨ હજાર ૭૦૦ મીટર, આશીર્વાદ ઈન્ડસ્ટ્રીઝમાંથી ૮૦ હજાર મીટર, કૃષ્ણા કેબલમાંથી ૨૫ હજાર મીટર તેમજ પોલીસ્યોર કેબલ ઈન્ડસ્ટ્રીઝમાંથી ૨૫૦ મીટર અને ૨૦૦૦ લેબલ કબ્જે કર્યા હતા. આ કંપનીઓમાં કનેક્ટ, એસીઆઈ, જીઈઈ ડિલ્કસ તેમજ લૂગા, ડાયમંડ, ફિકોન અને ભાવિક જેવા બ્રાંડના નામથી કેબલ વેચાતા હોવાનું સામે આવ્યુ છે. વિભાગે આ તમામ કેબલ કબ્જે કરી કંપનીનાં સંચાલક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.