અરવલ્લી જિલ્લામાં માત્ર રૂ.7 હજારની લાલચમાં સગીર બાળકને વેચી મારતા માતા-પિતા

એનજીઓ દ્વારા બાળકનું રેસ્કયુ કરાયું, ભારે ખળભળાટ

અરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તારના એક ગામડામાં બનેલી ઘટનાથી સમગ્ર રાજયમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મોડાસાના ખંભીસર ગામની આ ઘટના છે. જે દર્શાવે છે કે, સમૃધ્ધ કહેવાતા ગુજરાતમાંથી હજુ ગરીબીનો રાક્ષસ દુર થયો નથી અને હમચી ખુદી રહયો છે. ખંભીસર ગામમાં આર્થીક ભીંસથી કંટાડેલા એક દંપતીએ એમના સગીર વયના બાળકને માત્ર રૂ.7 હજારની મામુલી લાલચમાં વેચી માર્યો હતો.

માતા-પિતાએ જાતે પોતાના બાળકનો સોદો કર્યાની ઘટના બહાર આવતા એક એનજીઓની ટીમ ગામડે ધસી ગઇ હતી અને વેચી દેવાયેલા બાળકનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. આ બાળકને બચાવી અરવલ્લી ચાઇલ્ડ પ્રોટેકસન વિભાગને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આ જઘન્ય કૃત્ય આચરનાર માતા-પિતા સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાતના પછાત વિસ્તારો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સગીર વયના દિકરા-દિકરીનો મામુલી રકમ સોંદો થઇ જતો હોવાની ઘટનાઓ અવાર-નવાર પ્રકાસમાં આવતી રહે છે. રાજય સરકારે આ દિશામાં વધુ સખતી સાથે પગલા લેવાનું જરૂરી બન્યું છે. નહીંતર આ દુષણને વધુ આગળ વધતું અટકાવી નહીં શકાય.