અમદાવાદના ડોક્ટરોએ એક વ્યક્તિને થતી જડબાની સાર્કોમા ગાંઠ કાઢી

ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ રાજસ્થાનના એક ગરીબ દર્દીના જડબામાંથી દોઢ કિલો વજનની એક દુર્લભ ગાંઠ કાઢીને તેને નવજીવન બક્ષ્યું છે. બાયોપ્સીના ટૅસ્ટ બાદૃ તબીબોના ધ્યાનમાં આવ્યુ હતું કે, એક લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળતી સાર્કોમા ગાંઠ તેને થઈ હતી. ઓપરેશન બાદ ભોજરાજ મીણાને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. તેમને નાક વડે શ્ર્વાસ લેવામાં તકલીફ ન પડે એટલે તબીબોએ ગળામાં કાણું પાડીને વિન્ડ પાઇપ ગોઠવી હતી. છેવટે તબિયતમાં સુધારો જણાતા ભોજરાજને ઘરે જવાની રજા આપી દેવાઈ. રાજસ્થાનના એક ગામના ૩૫ વર્ષનો દર્દી ભોજરાજ મીણાના નીચેના જડબામાં ગાંઠ હતી. તેમણે રાજસ્થાનની મોટી હોસ્પિટલો અને બીજી મોટી હોસ્પિટલોમાં બતાવ્યું હતું. બધી જગ્યાએ પાંચથી આઠ લાખ જેવડો તોિંતગ ખર્ચ થાય તેમ હતો.

ગરીબ ભોજરાજ મીણાના પરિવારને આવડો મોટો ખર્ચો શી રીતે પોસાય? ભોજરાજ મીણાના પરિવારને એક સ્નેહીજને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી સુવિખ્યાત ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બતાવી જોવાની સલાહ આપી. એક દુ:ખી માણસ આશાના દરેક કિરણ ભણી દોડી જતો હોય છે. ભોજરાજ મીણાના પરિવારને ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આશાનું એક કિરણ દેખાયું. જીસીઆરઆઈના તબીબોએ સિટી સ્કેન, ત્યારપછી એમઆરઆઈ અને પીઈટી-સીટી સહિતના જરૂરી ટૅસ્ટ કર્યાં. ડોક્ટરોએ વધુ ખાતરી માટે બાયોપ્સીનો ટૅસ્ટ પણ કર્યો.

બાયોપ્સીના ટૅસ્ટ બાદ તબીબોને જણાયું કે ભોજરાજ મીણાને ખુબ જ દુર્લભ  એક લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળે એવી સાર્કોમા તરીકે ઓળખાતી ગાંઠ હતી. આ સાર્કોમા ગાંઠ એ વ્યસનથી નહીં પણ માનવ જિનેટિક્સના ઑલ્ટરેશનથી થાય છે. ભોજરાજ મીણાનો પરિવાર કે અન્ય કોઇ આ સાર્કોમા પ્રકારની ગાંઠને સમયસર ઓળખી નહોતા શક્યા, જેના લીધે ગાંઠ સતત વધતી ગઈ અને છેલ્લે જ્યારે ડોક્ટર્સે ઓપરેશન કરીને ગાંઠ કાઢી ત્યારે તે ગાંઠ ૪૦ સેન્ટિમિટર્સ જેટલી મોટી થઈ ગઈ હતી અને તેનું વજન ૧.૫ કિલોગ્રામ જેટલું થઈ ગયું હતું.