વડોદૃરામાં બે એટીએમમાં ટેક્નિકલ ખામી ઉભી કરી થઇ ૧૫.૬૭ લાખની ચોરી

કેનેરા બેંકના એટીએમને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી ટોળકી છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ માટે માથાનો દુખાવો બની ગઇ છે. આ ટોળકી કેનેરા બેંકના એટીએમમાં ટેક્નિકલ ખામી ઊભી કરીને રૂપિયા કાઢી લાખો રૂપિયાની ઉચાપત કરીને બેંકને આર્થિક નુકસાન પહોંચાડી રહી છે, ત્યારે હવે કેનેરા બેંકના એટીએમમાં ટેક્નિકલ ખામી ઊભી કરીને ૧૫.૬૭ લાખની રૂપિયાની ચોરીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ઇન્ફર્મેશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ પોરબંદરના રહેવાસી અને હાલ વડોદરામાં રહેતા રૂપેશભાઇ તિવારી વડસર બ્રિજ પાસે આવેલી કેનેરા બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. બેંકની બાજુમાં આવેલા એટીએમપર કોઇ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો નહોતો. ૬ ઓક્ટોબરના રોજ બેંગલોર ખાતેની હેડ ઓફિસેથી ઇ-મેઇલ આવ્યો હતો કે, તમારી બેંકના બાજુમાં આવેલા એટીએમમાં શંકાસ્પદ વ્યવહારો થઇ રહૃાા છે, જેથી તેઓએ તાબડતોબ સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા ૧૦ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધીના રેકોર્ડિંગમાં જણાઇ આવ્યું હતું કે, અજાણ્યા શખ્સો ચાવી વડે એટીએમનું ઉપરનું બોક્સ ખોલીને એટીએમની સ્વીચ ચાલુ બંધ કરીને ટ્રાન્ઝેક્શન કરી રહૃાા છે. જેના કારણે એટીએમ બોક્સનું લોક પણ ખરાબ થઈ ગયું હતું.

આ લોકો જ્યારે પણ પૈસા કાઢે, ત્યારે એટીએમની સ્વિચ ચાલુ બંધ કરતા હતા. જેથી નાણાંના વ્યવહારની ચોક્કસ એન્ટ્રી થતી ન હતી. જેના કારણે બેંકને આર્થિક નુકસાન થયું છે. કેનેરા બેંકની શાખામાં અજાણ્યા શખ્સોએ ૯૭ વખત શંકાસ્પદૃ ટ્રાન્ઝેક્શન કરી ૯,૦૬,૫૦૦ રૂપિયા કાઢી લઇ ચોરી કર્યાં હતા. આ ઉપરાંત તેઓની અન્ય શાખા મકરપુરા રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગમાં આવી છે, જ્યાં પણ બ્રાન્ચના એટીએમમાંથી આ પ્રમાણેની જ અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી. જેના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ૧૭ સપ્ટેમ્બરથી ૭મી ઓક્ટોબર દરમિયાન ૬૮ વખત ૬,૬૧,૫૦૦ રૂપિયાની મત્તાની ચોરી કરીને બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.