કચ્છના નાના રણમાં જિંગાનું ઉત્પાદન ૧૦ હજાર મેટ્રિક ટન થવાની શક્યતા

જિલ્લાના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્યની આ જગ્યા ૪૯૫૩ ચોરસ કિલોમીટર જેટલી છે. જેમાં ૩૫૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાય છે. રણકાંઠાના વિસ્તારમાં રહેતા માછીમાર લોકો આ જિંગા પકડીને તેનું વેચાણ કરે છે અને સારી આવક મેળવે છે. આ રણ વિસ્તારમાં આવેલ માળિયા, વેણાસર જેવા ગામના માછીમારો આ જિંગા પકડીને તેનું વેચાણ કરે છે. માછીમારો આખી રાત આ રણની અંદર હોડી ચલાવીને જિંગા પકડીને લાવે છે.

બજારોમાં લીલા અને સૂકા એમ બંને જિંગાની માંગ રહે છે. લીલા જિંગાનો ભાવ ૭૦થી ૯૦ રૂપિયા કિલો વેચાય છે. જ્યારે સુકવેલા અને સાફ કરેલ જિંગાનો ભાવ ૨૫૦થી ૫૦૦ રૂપિયા સુધીનો ભાવ પ્રતિ કિલોએ મળે છે. ચોમાસાની સીઝનમાં અંદાજીત દસ હજાર મેટ્રિક ટન જેટલું આ જિંગાનું ઉત્પાદન થાય છે. જેના ઉપર ૫૦૦ જેટલા પરિવારોને રોજગારી મળી રહી છે. જિંગાની માંગ વિદેશમાં પણ હોવાથી આ જિંગા વિદેશમાં પણ જાય છે.