૩૨ વર્ષના જમાઈની સાસરિયાએ કરી હત્યા, પત્ની, સાસુ-સસરા સહિત ૧૧ સામે નોંધાયો કેસ

હરિયાણામાં ઓનર કિલિંગનો એક મામલો સામે આવ્યો છે. ફતેહાબાદ જિલ્લાના નૂરકીઅહલી ગામમાં પોતાના સાસરે ગયેલા ૩૨ વર્ષીય જમાઈની તેની પત્ની, સાસુ અને સસરા સહિત લગભગ દોઢ ડઝનથી વધુ લોકોએ મળીને હત્યા કરી દીધી. મૃતકના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન મળ્યા છે અને આ મામલામાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો છે. ડીએસપી અજૈબ સિંહે જણાવ્યું કે ફરિયાદમાં મૃતકની પત્ની અનીતા, સાસુ-સસરા અને અન્ય સંબંધીઓ સહિત ૧૧ લોકો સામે નામજોગ અને ૮થી ૧૦ અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

ડીએસપીએ જણાવ્યું કે હાલ તપાસ ચાલી રહી છે અને પૂછપરછ માટે કેટલાક લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ મૃતકની બહેને જણાવ્યું કે લગભગ ચાર વર્ષ પહેલા ગામ નૂરકીઅહલી નિવાસી અનીતાની સાથે તેના મામાના દીકરા નિશાંતના આંતરજાતિય પ્રેમ લગ્ન થયા હતા. યુવતીની મંજૂરીથી જ આ લગ્ન થયા હતા અને કોર્ટથી પણ લગ્નને વેરિફાય કરવામાં આવ્યા હતા. મૃતકની બહેને જણાવ્યું કે થોડા દિવસ પહેલા નિશાંતની પત્ની અનીતા પોતાના પિયર જરૂરી કામથી ગઈ હતી અને ત્યારબાદ તે પરત ન આવી.

થોડા દિવસ પહેલા નિશાંત પોતાની માસીને ત્યાં લગ્ન સમારોહમાં આવ્યો હતો અને પરત ઘરે જતાં રસ્તામાં નિશાંત પર અનીતાનો ફોન આવ્યો અને તેને પોતાના ગામ નૂરકીઅહલી બોલાવ્યો. નિશાંત પત્નીને લેવા માટે ગામમાં પહોંચ્યો તો ત્યાં સાસરિયાએ તેની સાથે મારઝૂડ કરી અને તેની હત્યા કરી દીધી.

મૃતકની બહેને જણાવ્યું કે હાલ પોલીસે મૃતકની પત્ની અને કેટલાક સંબંધીઓ સહિત ચાર લોકોને પકડ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે. અન્ય લોકોની ધરપકડ કરવા માટે પોલીસે કાલ સુધીનો સમય આપ્યો છે અને કાલ સુધી જો તમામ આરોપીની ધરપકડ નથી થતી તો પરિવારના લોકો ધરણા પ્રદૃર્શન કરશે. પોસ્ટમોર્ટમ કાર્યવાહીને લઈને પણ પરિજનોએ પોલીસ પર ઢીલી કામગીરીનો આરોપ લગાવ્યો છે.