મહારાષ્ટ્રમાં સુરક્ષાદળોને મોટી સફળતા: ૫ નક્સલીઓ ઠાર

અથડામણ બાદ ત્રણ મહિલા અને બે પુરુષના મૃતદેહ મળી આવ્યા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મળી છે. અહીં કમાન્ડોની ટીમે ત્રણ મહિલાઓ સહિત પાંચ નક્સલવાદીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ ગઢચિરોલીના ગાઢ જંગલમાં નક્સલવાદીઓએ કમાન્ડો ટીમ પર હુમલો કર્યો, અધિકારીઓએ કહૃાું કે, જેના જવાબમાં સુરક્ષા દળોએ પલટવાર કરતાં ૫ નક્સલીઓને માર્યા ગયા.

સવારે ૪ વાગ્યાની આસપાસ નક્સલવાદીઓએ ધનોરા વિસ્તારના કોસામી-કિસ્નેલીના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરેલી પોલીસ પેટ્રોલિંગ ટીમ પર ફાયરીંગ કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એન્ટિ-નક્સલ (માઓવાદી) ઓપરેશન સી -૬૦ કમાન્ડોએ નક્સલીઓ સામે પ્રતિક્રિયા આપી હતી, ત્યારબાદ તેઓ તે વિસ્તારમાંથી ભાગી ગયા હતા.

બાદમાં પોલીસે ઝાડમાંથી ત્રણ મહિલા અને બે પુરુષ નક્સલીઓના મૃતદેહો બહાર કાઢ્યા હતા. તેમની ઓળખ કરવામાં આવી રહી છે. ગઢચિરોલીના નવા એસપી અંકિત ગોયલના નેતૃત્વ હેઠળ આ વર્ષે સુરક્ષા દળોનું આ પહેલું મોટું ઓપરેશન હતું. આટલી મોટી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો તરફથી કોઈ જાનહાની થઈ નથી. મહારાષ્ટ્ર પોલીસે તાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે.