કચ્છમાં ૨૧ મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા

કચ્છમાં અબડાસા પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે વનવિભાગે અબડાસા તાલુકાના જશાપરના જંગલમાંથી ૨૧ મૃત સાંઢા સાથે એક મહિલા અને બે પુરુષ શિકારીને ઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે માણસ પૈસા કમાવા માટે વિકૃતીની તમામ હદો પાર કરી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ કચ્છમાંથી બહાર આવી રહૃાું છે. પૈસા રળવા માટે કચ્છમાં કેટલાકા માફિયાઓ પ્રાણીઓનો શિકાર કરી રહૃાા છે. અલગ અલગ માન્યતાઓ હેઠળ સાંઢાના તેલની ખૂબ ડિમાન્ડ હોવાથી તેમનો શિકાર થઈ રહૃાો હોવાનું સુત્રો જણાવી રહૃાા છે. મળતી માહિતી પ્રમાણે નલિયા ઉત્તર રેન્જ દ્વારા ગૃપ પેટ્રોલિંગ દરમિયાન જંગલ વિસ્તારમાં થેલા સાથે ફરી રહેલી શિકારી ત્રિપુટી ઝડપાઈ હતી.

વનતંત્રની ટીમે થેલો તપાસતાં તેમાંથી ૨૧ સાંઢા મળી આવ્યાં છે. મોટાભાગના સાંઢાની કમર તોડી નાખી હોઈ તે મૃતપ્રાય: થઈ ગયેલાં છે. સાંઢાનો શિકાર કરતા ઝડપાયેલાં આરોપીઓમાં રમેશી મીઠુ કોલી, રવજી મામદ કોલી અને લક્ષ્મીબેન કરસન કોલીનો સમાવેશ થાય છે. ત્રણેય નલિયાના મફતનગરના રહીશ છે.સાંઢાનું તેલ અને વાજીકરણમાં વપરાય છે. આ કેસમાં આરોપીઓ સામે કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી છે. તેમને રીમાન્ડ પર લઈ સઘન પૂછતાછ કરાશે. કચ્છમાં સાંઢા તરીકે ઓળખાતું આ જીવ ગરોળી પ્રકારનું હોય છે. તે એગામીડ ગરોળીની એક પ્રજાતિ છે અને મુખ્યત્વે કચ્છ અને થરના રણમાં જોવા મળે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના કનૌજ જિલ્લામાં અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં પણ દેખાય છે.

વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે સાંઢા વનકાયદાની અનુસૂચિ એકમાં આવતું સંરક્ષિત સરીસૃપ વર્ગનો જીવ છે. તેનો શિકાર કરવા બદલ ૭ વર્ષની જેલ અને ૨૫ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૨૫૦-૩૦૦ જેટલા ખોદાયેલા દર મળ્યા સાંઢાના શિકારને બનીના મેદાનમાં કરવામાં આવ્યો હોવાનો વીડિયો દાવો કરે છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રત્યેક દરની બહાર છાણના પોદડાં મૂકવામાં આવ્યા છે જેથી શિકાર થઈ ગયો હોવાની નિશાની તરીકે તેને ઓળખી શકાય. આ શંકાસ્પદ ખોદકામ સાંઢાઓનાં શિકારની ચાડી ખાય છે.