ખાનગીકરણ:એરપોર્ટ પછી રેલવે સ્ટેશનો પણ વેચવા કઢાયાં, દિલ્હી રેલવે સ્ટેશનની હરાજી કરાશે, અદાણી પણ રેસમાં

નવી દિલ્હીમાં કનોટ પેલેસસ્થિત નવી દિલ્હી રેલવે સ્ટેશન ખરીદવા અદાણીએ પણ રસ દાખવ્યો છે. રેલવેમંત્રાલયે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ હાલમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશનના ખાનગીકરણના સિલસિલામાં એક પ્રી-બીડ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં અદાણી જૂથના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ અમદાવાદ, લખનઉ અને જયપુર સહિત દેશનાં છ એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતું, જે બધાં જ અદાણીએ ખરીદી લીધાં હતાં. આ રેલવે સ્ટેશન વેચવાની પ્રી-બીડ મીટિંગમાં દેશવિદેશની કુલ 20 કંપનીએ ભાગ લીધો હતો.

તેમાં અદાણી સહિત ફ્રાંસની સરકારી રેલવે કંપની ધ સોસાયટી નેશનલ ડેસ કૈમિન ડે ફેર ફ્રેંકેઈસ, અરેબિયન કન્સ્ટ્રક્શન કંપની, એંકોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જીએમઆર, આઈ સ્ક્વૉડ કેપિટલ, જેકેબી ઈન્ફ્રા વગેરે કંપનીનાં નામ સામેલ છે. આ સ્ટેશન 60 વર્ષ સુધી કોઈ ખાનગી કંપનીને સોંપવાની સરકારની યોજના છે, જેથી તેનો વિકાસ થઈ શકે.

સરકાર વિકાસ ના કરી શકી, હવે ખાનગી કંપનીઓ પર આશા!
હાલ નવી દિલ્હી રેલવે સ્ટેશનની આસપાસ રેલવેની જે કોઈ જમીન છે, તે ખાનગી કંપની પાસે જતી રહેશે. આ જમીન ડિઝાઈન-બિલ્ડ ફાઈનાન્સ ઓપરેટ ટ્રાન્સફર મોડલના આધારે વિકસિત કરવા 60 વર્ષ સુધી કોઈ ખાનગી કંપનીને અપાશે કારણ કે, અત્યાર સુધી સરકાર તેનો વિકાસ કરી શકી નથી. હવે રેલવેને આશા છે કે, નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં આશરે રૂ. 6,500 કરોડનું રોકાણ કરાશે. આ પરિયોજના ચાર વર્ષમાં પૂરી થઈ જશે. ખાનગી કંપની અહીં કોમર્શિયલ હબ વિકસિત કરશે. આ સાથે ત્યાં વર્લ્ડ ક્લાસ પ્રવાસી સુવિધાઓ પણ વિકસિત થઈ શકશે.