એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’, આટલું બોલતાં સોમાભાઈ મોદી રડી પડ્યા

અમને ખબર તો હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ વડનગરમાં વડીલોની સેવા અર્થે એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. આ વૃદ્ધાશ્રમની અમે મુલાકાત લીધી તો જોયું કે વડા પ્રધાનના મોટા ભાઈ હોવા છતાં સોમાભાઈ એક નાનકડા રૂમમાં એક સાદા પલંગ પર બેઠા હતા અને બાજુમાં માત્ર 4 ખુરસી હતી. તેમની સાદગી ઊડીને આંખે વળગે તેવી હતી અને સમજાયું કે જરૂરિયાતોને ઓછી રાખીને પણ માનવી કેટલી મોજથી રહી શકે છે. સોમાભાઈને પરિચય આપ્યો એટલે તેમણે વડીલ જેવા પ્રેમભાવથી અમને આવકાર્યા અને અમારા માટે ચા મંગાવી. તેમની સાથેની વાતચીતમાં સ્વાભાવિક નરેન્દ્ર મોદીના સંસ્મરણો કેન્દ્ર સ્થાને રહ્યા અને તેમણે અમને કહ્યું કે નરેન્દ્ર મોદીને તેમના વતન અને જન્મભૂમિ પ્રત્યે કેટલો અનહદ પ્રેમ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પ્રસ્તુત છે તેમના મોટા ભાઈ સોમાભાઈની સાથે તેમના વતન વડનગરમાં થયેલી એક્સક્લુઝિવ વાતચીત…