વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસના 10 આરોપીઓના જામીન રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પડકાર્યા

વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસના 10 આરોપીઓના જામીન રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પડકાર્યા
વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસના 10 આરોપીઓના જામીન રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પડકાર્યા

સરકારે અરજી કરતા ફટકારી નોટીસ : તા.24ના સુનાવણી : 12 બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા

વડોદરમાં આવેલ હરણી તળવામં બોટ દુર્ઘટના બની હતી. નોંધનીય છે કે, હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં 18 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. પાછળથી કુલ 20 જેટલા આરોપી થયા હતા. તેમાં 04 મહિલા આરોપીએ આગાઉ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા તેમને જામીન મળ્યા હતા. જ્યારે 10 પુરુષ આરોપીઓને વડોદરા (Vadodara)ની કોર્ટે જામીન આપતા કુલ 14 જેટલા આરોપીઓને જામીન મળ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં જામીન મળેલા તમામ 10 પુરુષોના જામીન પડકાર્યા છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા આરોપીઓને નોટીસ પાઠવવામાં આવી છે અને કેસની વધુ સુનાવણી 24મી જૂનના રોજ મુકરર કરી છે.

હરણી બોટકાંડમાં સ્કુલના બાળકો સહિત 14 લોકો મૃત્યુ પામ્યા હતા. આ મામલે હાઈકોર્ટ દ્વારા સુઓમોટો સંજ્ઞાન પણ લેવામાં આવ્યું હતું અને બીજી તરફ ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેમાં 18 જેટલા સંભવિત આરોપીઓ સામે પ્રથમ તબકકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પાછળથી આરોપીઓ વધીને 20 થયા હતા.

જે પૈકી ચાર મહિલા આરોપીઓ દ્વારા જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ 10 પુરુષોને વડોદરાની કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેથી રાજય સરકારે હાલ 10 આરોપીને મળેલા જામીન રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે.

આ આરોપીઓમાં ગોપાલદાસ શાહ, બિનિત કોટિયા, અલ્પેશ ભટ્ટ, દિપેન શાહ, ધર્મિલ શાહ, ધર્મિન બાથાણી, વેદપ્રકાશ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, ભીમસિંહ યાદવ અને જતીનકુમાર દોશીનો સમાવેશ થાય છે. ઉપરોક્ત આરોપીઓને મળેલા જામીન સામે રાજય સરકારે તે જામીન રદ કરવા રિટ કરી હતી. જેની સુનાવણી સોમવારે હાઈકોર્ટ સમક્ષ થઈ હતી અને કોર્ટે આરોપીઓને નોટીસ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની શરૂઆતે જ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતાં ન્યુ સનરાઈઝ શાળાના 12 બાળકો અને બે શિક્ષકોના મોત નિપજવાની દુખદ ઘટના બની હતી અને એના પડઘાં હાઈકોર્ટમાં પણ પડયા હતા.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે દુર્ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કરતાં એવી વેધક ટકોર કરી હતી કે, ‘આવી ગંભીર પ્રકારની બેદરકારી કોઈપણ કાળે સહન કરવામાં નહીં આવે.’

આ મામલે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનના પ્રેસીડેન્ટે આ દુર્ઘટના અંગે અખબારોમાં આવેલા અહેવાલોનો હવાલો આપતાં ચીફ જસ્ટીસ સમક્ષ સુઓમોટો કાર્યવાહી કરી તપાસના આદેશો આપવાની રજુઆત કરી હતી.