દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એકવાર કરોડોનો ચરસનો જથ્થો ઝડપાયો

દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એકવાર કરોડોનો ચરસનો જથ્થો ઝડપાયો
દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એકવાર કરોડોનો ચરસનો જથ્થો ઝડપાયો

રૂપેણ બંદર- વરવાળા વિસ્તારમાંથી બે ડઝન જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવતા ખળભળાટ:પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એક વાર કરોડોનો ચરસનો જથ્થો ઝડપાયો .મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી આશરે 2 ડઝન જેટલા ચરસના પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કચ્છ બાદ હવે દ્વારકા નજીક મીઠાપુર માર્ગ પર આવેલા રૂપેણ બંદર તથા વરવાળા ગામ વચ્ચેના દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ પેકેટ પડ્યા હોવા અંગે પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને એના ઈન્ચાર્જ એસ.પી. હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના સમયે જ આ સ્થળે દોડી જઈ પડી રહેલા પેકેટને કબજામાં લીધા હતા.

મળતી વિગત મુજબ આશરે 20થી 25 જેટલા આ પેકેટમાં રહેલો આ પદાર્થ ચરસ જેવું નશાકારક પદાર્થ હોવાનું કહેવાય છે. બિન વારસુ મળી આવેલા કરોડો રૂપિયાની કિંમતના આ ડ્રગ્સ સંદર્ભે રાત્રે જ પોલીસ દ્વારા કોમ્બિંગ તેમજ વ્યાપક ચેકિંગ કામગીરીની જવાબદારી એસ.ઓ.જી. પોલીસને સોંપવામાં આવી હતી.આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સઘન કાર્યવાહી કરી અને આ ડ્રગ્સની ગુણવત્તા, કિંમત, સર્ચ ઓપરેશન સહિતની બાબતે કામગીરી કરી હતી. જો કે આ લખાય છે ત્યારે આ અંગેની કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી .

ગઈ કાલે રાત્રીના ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાના આ બનાવ વચ્ચે આજથી આશરે બે માસ પૂર્વે પણ દ્વારકા વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ગઈરાત્રે ઝડપાયેલા આ નશાકારક પદાર્થોએ અનેક સવાલો ઉભા કર્યા છે.