રાજકોટમાં પથ્થરની ખાણમાં પાણી કાઢવાના મશીનમાં આવી જતા મજૂરનું મોત

રાજકોટના મહિકા પાસે પથ્થરની ખાણમાં પાણી કાઢવાના મશીનમાં આવી જતા ગોધરાના મજૂરનું માથું અને ધડ અલગ થઈ જતા સ્થળ પર મોત નીપજ્યું હતું. લોકડાઉનના કારણે બંધ રહેલી ખાણ અઠવાડિયા પહેલા જ ચાલુ થતાં બુધીયો નાયક નામનો મજૂર તેના કાકા સાથે કામ કરવા માટે આવ્યો હતો. ત્યારે આજે તેનું મોત થતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. મળતી વિગત મુજબ મહિકા ગામ પાસે ગઢકા રોડ પર આવેલી પથ્થરની ખાણમાં વરસાદનું પાણી ભરાય ગયું હતું.

તેથી ટ્રેક્ટરમાં મશીન મુકી પાણી કાઢતી વખતે મશીન બંધ ન થાય તેથી તેનું ધ્યાન રાખવા માટે મશીનની બાજુમાં ગોધરાનો મજૂર બુધીયો નવલભાઇ નાયક (ઉં.વ. ૨૨) બેઠો હતો. ખાણમાં પાણી જોવા જતા તેણે પહેરેલી સાલ મશીનના પટ્ટામાં આવી જતા બુધીયા નાયકનું માથું આવી જતા ઘડ અને માથું અલગ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસ કામ કરતા મજુરો દોડી આવ્યા હતાં અને ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. પરંતુ ડોક્ટરની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.

આજીડેમ પોલીસે સ્થળ પર પહોંચી મજૂરના મૃતદેહને ફોરેન્સિક પીએમ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક બુધીયો અઠવાડિયા પહેલા તેના કાકા સાથે મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને લોકડાઉનના કારણે ખાણ બંધ હતી. અઠવાડિયા પહેલા જ ખાણ ચાલુ થઇ હતી.