રાજકોટમાં ત્રણ જગ્યાએ પોલીસના દરોડા: ૧.૪૦ લાખની કિંમતનો જથ્થો ઝડપાયો

રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યાએ દરોડા પાડી એક લાખ ચાલીસ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. તો સાથે જ ચાર જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, અમારી ટીમને બાતમી મળી હતી કે, મહેશભાઈ ચમનભાઈ મકવાણા નામનો વ્યક્તિ. વડોદરા પાસીંગવાળી માલવાહક રીક્ષા ચલાવે છે. તે પોતાની રિક્ષામાં તેલના ડબ્બાની આડમાં વિદેશી દારૂની બોટલની હેરાફેરી કરી રહૃાો છે.

ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવતા જુના મોરબી રોડ પર વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે જંગલેશ્ર્વર ત્રણ માં રહેતો રિક્ષાચાલક મહેશ ચમનભાઈ મકવાણા સાથે નીકળતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તો સાથે જ રિક્ષામાં રહેલી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ સહિત કુલ પોણા બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બીજા બનાવમાં પી.એસ.આઇ જેબલિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, જમાતખાનાની બાજુમાં રામનાથ પરા ખાતે રહેતો શુભમ ઉર્ફે શુભો પોતાના ઘરમાં ભારતીય બનાવટની બ્રાન્ડેડ દારૂની બોટલ રાખે છે. ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાનમાં રેડ કરતા પ્લાસ્ટિકના ખાલી કેરબાની અંદર રાખવામાં આવેલી ૨૪ જેટલી દારૂની બોટલ સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

ભૂતકાળમાં શુભમ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક જ્યારે કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુના દાખલ થઇ ચૂક્યા છે.