વડોદરામાં સિટી બસ બની કાળ: વૃદ્ધને હડફેટે લેતા મોતને ભેટ્યા

વડોદરામાં કાળમુખી સિટી બસે એક વૃદ્ધનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં ન્યાય મંદિર વિસ્તારમાં આ ઘટના બની છે. સિટી બસે રાહદારીને ટક્કર મારી હતી. ત્યારબાદ બસ ચાલક બસ મુકીને ફરાર થયો હતો. જુના ન્યાય મંદિર વિસ્તારમાં લહેરીપૂરા ગેટ પાસે સીટી બસ ચાલકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા ૬૦ વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં જાણવા મળી રહૃાું છે કે, આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે ચાર દરવાજા વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન વિતાવતા નીતિન પટેલ શિવરાત્રી પર્વ નિમિત્તે ભોલેનાથના મંદિરે સાયકલ લઈને દર્શન માટે જુના ન્યાયમંદિર નજીકના લહેરી પુરા ગેટ પાસેથી પસાર થઈ રહૃાા હતા, તે દરમિયાન ગેટ નીચેથી પસાર થતી સીટી બસે વૃદ્ધને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને સીટી બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા જામ્યા હતા અને શહેરમાં દૃોડતી આડેધડ સીટી બસ સામે ફિટકાર વરસાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં દર વર્ષે અંદાજીત ૬૦થી વધુ રાહદારીઓ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અકસ્માત ઝોનમાં ચાર દરવાજા વિસ્તાર, કારેલીબાગ વુડા સર્કલ, કલાલી, વડસર જીઆઇડીસી સહિતના મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે. જોકે પોલીસનું માનવું છે કે મોટા વાહનોને ઓવરટેક કરવા જતાં પાછળથી અકસ્માત સર્જાય તેવા કિસ્સામાં મોટા વાહન ચાલકોનો વાંક કાઢી શકાય નહીં.