હરિદ્વારથી સોમનાથ સુધી દેશભરમાં હર હર મહાદેવનો જયઘોષ

ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ સહિતના મંદિરોમાં સવારથી ભક્તોની કતાર

ઠેર ઠેર શિવમંદિરોમાં શિવલિંગને શણગાર, પંચામૃત, દૂધ અને શેરડીના રસનો અભિષેક, હજારો ભક્તો બન્યા શિવમય : બિલીપત્રો ચડાવ્યા

મહાશિવરાત્રીના મહાપર્વની આસ્થાભેર ઉજવણી, સવારથી શિવાલયોમાં ભાવિકોનો ઉમટતો મહાસાગર, આજે થશે ચાર પ્રહરની આરતી

ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી શિવ ભક્તો ભાવવિભોર, ઉત્તરાખંડમાં મહાકુંભ માટે સરકારે ગોઠવી મલ્ટીલેયર સુરક્ષા, સાધુ-સંતો અને ભક્તો પર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતની સાથે દેશભરમાં આજે મહાશિવરાત્રીના મહાપર્વની આસ્થા અને શિવ ભક્તિ સાથે ઉજવણી કરવામ આવી રહી છે. હરિદ્વારથી સોમનાથ જ્યોતિલિંગ સુધી તમામ શિવાલયોમાં સવારથી જ ભક્તોની કતારો જામી ગઈ છે અને જંગી સંખ્યામાં ભાવિકો દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્ય થઇ ઉઠ્યા છે અને શિવમય બની ગયા છે.

સોમનાથ અને રાજ્યભરના શિવાલયો અને તથા રાજકોટના શિવ મંદિરોમાં સવારથી ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો છે. મંદિરો રોશનની ઝળાહળા થઇ ઉઠ્યા છે. શિવલિંગોને શણગાર કરવામાં આવ્યો છે. ભક્તો બીલીપત્રો ચડાવી રહ્યા છે શેરડીનો રસ, પંચામૃત, દૂધ મિશ્રિત જળ અને દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. ભાંગનો પ્રસાદ મેળવીને શિવ ભક્તો શિવમય બની ગયા છે. એવું કહેવાય છે કે, શેરડીના રસ અને દુધ અભિષેક થી મહાદેવ જલ્દી પ્રસન્ન થઇ જાય છે . ભાવિકો રુદ્રી અને રુદ્રાસ્ટક પાઠ કરી રહ્યા છે. ઠેરઠેર શિવ મહિમ્ન સ્ત્રોતના ગુંજનથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે.

હરિદ્વારના મહાકુંભ માટે ઉતરાખંડ સરકારે અનેક લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સાધુ-સંતો દ્વારા આજે મહાશિવરાત્રીનું પહેલુ શાહી સ્નાન કરવામાં આવશે. વિવિધ અખાડાઓના હજારો સાધુ-સંતો શાહી સ્નાનમાં જોડાશે. એ માટે સુરક્ષાના 7 ઝોન ઊભા કરવામાં આવ્યા છે. શાહી સ્નાનમાં કોઈ અડચણ ન પડે એ માટે સરકારે તમામ વ્યવસ્થા કરી છે તેમ ઉતરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે જણાવ્યું હતું. ગુજરાતમાં આજે સર્વત્ર મહાશિવરાત્રી નિમિતે તમામ મંદિરો પર ચાર પ્રહારની આરતી થશે. સરકારે સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.