રાજકોટમાં ૭૦ વર્ષીય વૃદ્ધા પર પુત્રવધૂએ સળગતો પ્રાયમસ ફેંક્યો

રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિધવા પુત્રવધુએ પોતાની વૃદ્ધ સાસુ પર ચાલુ પ્રાયમસ ફેંકતા ગંભીર ઇજા પહોંચાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ સાસુએ ફરિયાદ નોંધાવતા આરોપી વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ આઇપીસીની કલમ ૩૦૭ એટલે કે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે વૃદ્ધા બંને હાથે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટમાં ઉલ્ટી ગંગા વહી સમાન કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટમાં દેવું બેન નાનજીભાઈ મકવાણા નામના ૭૦ વર્ષીય વૃદ્ધાએ પોતાની વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, મારો નાનો દીકરો વસંત ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હતો, જેથી હું મારા નાના પુત્રની વિધવા અમૃતાબેન તેમજ તેના ત્રણ સંતાનો સાથે નાના પુત્રના ઘરમાં માધાપર ખાતે રહું છું. પરંતુ મારી નાની વિધવા પુત્રવધુ સાથે મારે બનતું નથી. તે અવારનવાર નાની બાબતોમાં મારી સાથે ઝઘડો કરતી હતી. સોમવારે પણ અમારા બંનેની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હું મારા મોટા પુત્ર શંકરને ત્યાં મનહરપુર ખાતે જતી રહી હતી. મંગળવારના રોજ બપોરના સમયે મારા મોટા પુત્ર શંકરની પત્ની કુંદન પ્રાઈમસ ઉપર રોટલી બનાવી રહી હતી.

આ સમયે અમૃતા પણ ત્યાં આવી પહોંચી હતી. અમૃતાએ કુંદનને આવીને કહૃાું હતું કે આ ડોસીને તમે અહી શું કામ રાખો છો. ત્યારે કુંદને અમૃતાને કહૃાું હતું કે તમે ન રાખો તો અમારે તો રાખવા જ પડે ને. આમ, કુંદનના કહેતા અમૃતા ઉશ્કેરાઇ જઇ ચાલુ પ્રાઈમસ ઉપાડીને મારા ઉપર નાખતા મારા બંને હાથ દાઝી ગયા છે. ઘટનાની જાણ થતા મારો પુત્ર પણ દોડી આવ્યો હતો તેને આગ વધુ પડતી પ્રસરતી રોકી હતી જેના કારણે તે પણ દાઝી ગયો હતો.