એન્ટિલિયા કેસ: મનસુખની પત્નીએ સચિન વઝે પર લગાવ્યો પતિની હત્યાનો આરોપ

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયા બહાર મળેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનના મોતના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા. મનસુખના મોતને કાવતરું ગણાવીને પૂર્વ મુખ્યમંત્રીએ તેમની પત્ની વિમલા હિરેનની ફરિયાદની કોપી વિધાનસભામાં વાંચી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ ફરિયાદની કોપીના આધારે જણાવ્યું હતું કે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન વઝેએ મનસુખની કારનો ચાર મહિના પહેલાં ઉપયોગ કર્યો હતો. તેઓ મનસુખને ઘણીવાર મળ્યા પણ હતા.

વઝેએ કાવતરું ઘડીને મનસુખની હત્યા કરી છે. ફડણવીસે સચિનની ધરપકડ કરવાની માગણી કરી હતી. ફડણવીસના નિવેદન પછી ગૃહમાં હોબાળો થઈ ગયો હતો. મનસુખ હિરેનનો મૃતદેહ ૬ માર્ચે થાણેની ખાડીમાંથી શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો. તેના મોઢા ઉપર ૫ રુમાલ બાંધેલા હતા. પરિવારે પણ આત્મહત્યાની થિયરી નકારી દીધી છે અને એને હત્યા ગણીને તપાસ કરવાની માગણી કરી છે. વિપક્ષી પાર્ટી ભાજપે કેસની તપાસ એનઆઈએ પાસે કરાવવાની માગણી કરી છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કેસની તપાસ મહારાષ્ટ્ર એટીએસને સોંપી છે.