અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે આલ્કોક એશડાઉનની ૭૦ કરોડની મશીનરી સડી રહી છે

ભંગાર સામગ્રીને સાચવવા ઉદ્યોગ વિભાગ મહિને ત્રણ લાખનો ખર્ચ કરે છે

ઓર્ડર આપ્યાં પછી જહાજ તો ન મળ્યાં પણ ઇન્ડિયન નેવીના ૭૫ કરોડ રૂપિયા બંધ થયેલી કંપનીએ ડૂબાડ્યા, નેવી પર મહિને ૪૦ લાખનો બોજ વધતો જાય છે

ગુજરાત સરકારમાં અધિકારીઓની અનિર્ણાયકતાના કારણે બે વર્ષ પહેલાં બંધ થયેલી અર્ધ સરકારી કંપની આલ્કોક એશડાઉનની મશીનરી અને અન્ય સામગ્રીની હાલત એવી થઇ છે કે હવે કોઇ ભંગારના ભાવે પણ ખરીદવા ઉત્સુક નથી. બીજી તરફ જહાજોના નિર્માણમાં અક્ષમ્ય વિલંબ કરીને કંપનીએ ઇન્ડિયન નેવીને ૭૫ કરોડ રૂપિયા પાછા તો આપ્યાં નથી પરંતુ ૯.૬૦ કરોડ રૂપિયાનો વધારાનો ચૂનો લગાડ્યો છે.

આલ્કોક એશડાઉનના ભાવનગર અને અમરેલીના ચાંચ શિપયાર્ડમાં માટી જેવી બની ગયેલી મશીનરીની જે તે સમયે ૭૦ કરોડ રૂપિયાની કિંમત આંકવામાં આવી હતી પરંતુ આજે આ મશીનરી અધિકારીઓના ગેરવહીવટના કારણે વેચાઇ શકી નથી અને તેનું મૂલ્ય દિવસે દિવસે ઘટતું જાય છે. આજે આ ભંગારને લેવા માટે પણ કોઇ ઉદ્યોગ એકમ તૈયાર નથી.

આલ્કોક એશડાઉન કંપની બંધ થયા પછી તેની ભાવનગરની અસ્ક્યામતો, જમીન તેમજ સાધનસામગ્રી જે તે સ્થિતિમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડને સોંપવામાં આવી હતી જ્યારે કંપનીની ચાંચ ખાતેની મશીનરી અને જમીનનો કબજો અમરેલી કલેક્ટરને આપવામાં આવ્યો હતો. હાલ કંપનીની મશીનરી પડી રહી છે તેને બચાવવા માટે ખાનગી સુરક્ષા એજન્સી રોકીને પ્રતિ માસ ત્રણ લાખ રૂપિયાનો વ્યર્થ ખર્ચ કરવામાં આવી રહૃાો છે.

સરકારને ખોટના ખાડામાં ઉતારવાની ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓની માનસિકતાનું ઉદાહરણ નેવીનો જહાજ બનાવવાનો ઓર્ડર હતો. ઇન્ડિયન નેવીએ કંપનીને ૨૦૦૮માં છ જહાજો બનાવવા ૬૬૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો પરંતુ કંપનીના ગેરવહીવટના કારણે નેવીને છ પૈકી પાંચ જહાજ મળી શક્યા ન હતા. કંપનીએ નેવીને બેન્ક ગેરન્ટીની રકમ પણ પાછી નહીં આપતાં ભારતીય નેવીના ૭૫ કરોડ રૂપિયા સલવાઇ ગયા છે.

જહાજો માટે ચૂકવેલી રકમ પાછી લેવા માટે છેલ્લા બે વર્ષથી નેવીના અધિકારીઓ ગુજરાત સરકાર અને ઉદ્યોગ વિભાગમાં ધક્કા ખાઇ રહૃાાં છે. ભારતીય નેવી પ્રતિ માસ ૪૦ લાખ લેખે છેલ્લા બે વર્ષથી ૯.૬૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજો વહન કરી રહી છે.

આલ્કોક એશડાઉનનું દેવું વધી જતાં તેણે એનસીએલટીમાં નાદારી નોંધાવી છે પરંતુ કંપની તરફથી નબળો વકીલ રોકવાના કારણે આ કેસની સુનાવણી બોર્ડ પર આવી શકતી નથી. બીજી તરફ કંપનીની મશીનરી નાશ પામી રહી હોવાથી સરકારને વધુ નુકશાન ભોગવવું પડી રહૃાું છે.

આત્મ નિર્ભરતા અને શિપ બિલ્ડીંગ વ્યવસાયનો વિકાસ કરવાના વચનો ગુજરાતમાં નિષ્ફળ ગયા છે. જે અધિકારીઓએ કંપનીની મશીનરી અને સામગ્રીને અનહદ નુકશાન પહોંચાડ્યું છે તેમની જવાબદારી ફિક્સ કરીને તેમને સજા કરવાની વાત તો દૃુર રહી પરંતુ સરકાર કંપનીની અસ્ક્યામતો બચાવી શકી નથી. અનિર્ણાયક બ્યુરોક્રેસી સામે ગુજરાતના રાજનેતાઓ પણ પાંગળા સાબિત થયાં છે.

અમરેલીમાં કંપની પાસે ગ્રેવીંગ ડ્રાય ડોક, ફેબ્રિકેશન બે, પેનલ બ્લોક એન્ડ હલ્લ, શીપ રીપેર જેટી, ડ્રાયડોક માટે સેલ્ફ લોટીંગ કેસિન ગેટ, વેસલ્સ માટે સાઇડ લોન્ચવેવ જેવી મશીનરી છે, જ્યારે ભાવનગરમાં ઇનહાઉસ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, ટેસ્ટીંગ ફેસેલિટી, સીએનજી સ્ટીલ કટીંગ સિસ્ટમ, કટ પ્લેટ્સ, ફ્રેન્સ, એફઆરપી બોટ બિલ્ડીંગ શોપ છે. આ બઘી સામગ્રી ધૂળ ખાઇ રહી છે. ઉદ્યોગ કમિશનરેટ દ્વાર ટેન્ડરો ઇસ્યુ કરવામાં આવ્યા હતા પરંતુ ભંગાર થઇ ગયેલી મશીનરી અને સામગ્રીના ખરીદારો કંપનીને હજી સુધી મળી શક્યા નથી.