સુરત આરટીઓ કચેરીમાં ખુલ્લેઆમ લાલિયાવાડી: બોગસ લાઇસન્સ આવ્યું સામે

એક જ નંબર, નામ, સરનામાવાળું લાઇસન્સ બે વ્યક્તિ ધરાવતા હોવાનું સામે આવ્યું

સુરત આરટીઓ કચેરીના કારણે આજે એક ગરીબ વ્યક્તિ હેરાન પરેશાન થઈ ગયો છે, અરજદારે લાઇસન્સ માટે અરજી કરી નથી, છતાં તેના ઘરે લાઈસન્સ બનીને આવી ગયું છે. આ એક બોગસ લાઇસન્સ જે પુરવાર કરે છે કે સુરત આરટીઓ કચેરીમાં ખુલ્લેઆમ લાલિયાવાડી ચાલી રહી છે અને ધોળા દિવસે બોગસ લાઈસન્સ બની રહૃાા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. બે જુદી-જુદી વ્યક્તિનો એક જ નંબર, નામ, સરનામાવાળું લાઇસન્સ બે વ્યક્તિ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ ને કઈ અજુગતું લાગતા સંદેશ ન્યુઝ ચેનલ સંપર્ક કર્યો હતો અને આખે આખી વાત જણાવી હતી. તમે પણ આ વાત સાંભળી ચોંકી જશો.

સુરત આરટીઓમાંથી લાઇસન્સ નંબર જીજેઓવાય૨૦૧૧૦૮૪૭૬૦૮ નંબરનું ડ્રાઇવિંગ લાઇસન્સ ઈશ્ય કરાયું હતું. આ લાઇસન્સ રામદાસ ધુલીચંદ પારેના નામે છે. તેમજ લાઇસન્સમાં પાલનપુર જકાતનાકાનું સરનામું છે. હવે આ એક જ નામના લાઇસન્સ બે અલગ અલગ વ્યક્તિના ફોટોવાળા ઈશ્યૂ થયાં છે, એટલે કે લાઇસન્સ નંબર, નામ, સરનામું તમામ વિગત સરખી, માત્ર ફોટો અલગ અલગ. હવે આ બે ફોટોવાળા લાઇસન્સમાં કોનું સાચું અને કોનું ખોટું લાઇસન્સ ખોટું.. તે મુદ્દે આરટીઓની મૂંઝવણ વધી ગઈ છે.

લાઇસન્સમાં એક જ વ્યક્તિનું નામ, સરનામું ધરાવતી બે વ્યક્તિના ફોટોવાળું લાઇસન્સ ઈશ્યૂ થયું છે એ વાત તો પાક્કી દેખાઈ જ રહી છે, જ્યારે અસલ વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી નથી. તો આ બીજું લાઇસન્સ કેવી રીતે બની ગયું છે એ તો તપાસનો વિષય છે. ઉપરાંત સુરત આરટીઓની અંદર અને બહાર ટાઈટોને રૂપિયા આપો તો જ તમારું કામ વહેલું થાય છે. તેવી અનેક ફરિયાદો પણ ઉઠી છે. આ સમગ્ર મામલે સુરત આરટીઓ કચેરીમાં ચાર્જ સંભાળતા ઇન્ચાર્જ આરટીઓએ ખરેખર તપાસ કરવી જોઈએ કે બોગસ લાઇસન્સ વગર અરજીએ કેવી રીતે બની ગયું અને અન્ય વ્યક્તિના ઘરે કેવી રીતે પહોંચી ગયું છે.