જામનગરમાં રાજ્યના પૂર્વ મહિલા મંત્રી વસુબેન ત્રિવેદી સહિત તેમનો પરિવાર કોરોનાગ્રસ્ત

જામનગરમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને શહેરના પૂર્વ ધારાસભ્ય પ્રો. વસુબેન ત્રિવેદી અને તેણીના સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. બીજી બાજુ ચૂંટણી પૂર્ણ થતાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા શહેરમાં ૧૪ અને જિલ્લામાં ૩ નવા કેસ નોંધાયા છે.રાજ્યના પૂર્વ મંત્રી અને જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય પ્રો. વસુબેન ત્રિવેદીનો આખો પરિવાર કોરોનાની ઝપટમાં આવ્યો છે. પ્રો. વસુબેન ત્રિવેદી, નરેન્દ્રભાઈ ત્રિવેદી, તેમના પુત્ર દક્ષ અને તેમના પુત્રવધૂ અભીબેન ત્રિવેદીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા વસુબેન, નરેન્દ્રભાઈ અને તેમના પુત્ર દક્ષને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અભીબેનને હોમ આઈસોલેશન કરાયા છે. જો કે, તમામની તબીયત સારી હોવાનું જાણવા મળ્યું છે. ગુરૂવારે શહેરમાં ૧૪ અને જિલ્લામાં ૩ નવા કેસ નોંધાયા હતાં. જો કે, ૨૪ કલાકમાં કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું ન હતું.