રૂપાણી સરકારે પતંગોત્સવ સહિતનાં ઉત્સવોમાં બે વર્ષમાં ૪૦.૨૯ કરોડ રૂપિયા ખર્ચ્યા

ઉત્સવ પ્રિય ગુજરાત સરકારે નવરાત્રિ, પતંગોત્સવ અને રણોત્સવ પાછળ ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૪૦.૨૯ કરોડનો ખર્ચ કર્યો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે નવરાત્રિ મહોત્સવ ઉજવાયો ન હતો. જેના કારણે કોઈ ખર્ચ થયો નથી. ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦માં પતંગોત્સવ પાછળના ખર્ચમાં ઘટાડો થયો છે. જો કે રણોત્સવના ખર્ચમાં વધારો થયો છે.

ગુજરાત વિધાનસભામાં રાજ્યના પ્રવાસન વિભાગે કોંગ્રેસના લેખિત સવાલના જવાબમાં જણાવ્યું કે રણોત્સવ પાછળ વર્ષ ૨૦૧૯માં ૫.૧૨ કરોડ રૂપિયા વાપર્યા હતા. જો કે ૨૦૨૦માં આ ખર્ચ વધીને ૮.૬૬ કરોડ આસપાસ હતો. પતંગોત્સવમાં ૨૦૧૯માં ૭.૪૯ કરોડનો ખર્ચ કરાયો અને ૨૦૨૦માં ૭.૦૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

નવરાત્રિ મહોત્સવમાં ૨૦૧૯માં ૧૧.૯૭ કરોડ વાપરવામાં આવ્યા હતા. જો કે વર્ષ ૨૦૨૦માં કોરોનાકાળ હોવાથી રાજ્ય સરકારે નવરાત્રિ મહોત્સવનો કાર્યક્રમ રદ કર્યો હતો. મહોત્સવોમાં મોટે ભાદે રહેવા અને જમવા અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ બતાવાયા છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર સામે આક્ષેપો કરે છે કે સરકારે મહોત્સવો પાછળ ખોટા ખર્ચ કરે છે. તે બંધ કરવા જોઈએ. સરકાર તાયફાઓ કરે છે.