મહારાષ્ટ્રના જલગાંવમાં ગમખ્વાર અકસ્માત, 16 શ્રમીકોના મોત

પપૌયા ભરેલો ટ્રક ઉંધો વળી જતા સર્જાઇ કરૂર્ણાતીકા, મરનારમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ, અન્ય પાંચને ગંભીર ઇજા

ટ્રકના સ્ટ્રીયરીંગનો સળીયો તુટી જવાથી ડ્રાયવરે કાબુ ગુમાવી દીધો, સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી

મહારાષ્ટ્રના જલગાંવ વિસ્તારમાં રવિવારે મધરાતે એક ભયાનક રોડ અકસ્માતમાં 16 શ્રમીકોના કરૂણ ઢબે મૃત્યુ નિપજયા હતા અને પાંચથી વધુ મજુરોને ગંભીર ઇજા થઇ હતી. પપૌયા ભરેલા ટ્રકમાં બેસીને જઇ રહેલા શ્રમીકો ટ્રક ઉંધો વળી જતા નીચે દબાઇ ગયા હતા અને કરૂર્ણાતીકા સર્જાઇ હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધીકારીઓ અને તબીબી ટુકડીઓ ઘટના સ્થાળે ધસી ગયા હતા. ટ્રકમાં બેઠેલા શ્રમીકોમાં બાળકો અને મહિલાઓ પણ હોવાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
પોલીસે જણાવ્યા મુજબ, અંકલેશ્ર્વર-બુરહાનપુર સ્ટેટ હાઇ-વે પર કિંગામ પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રકના સ્ટ્રીયરીંગનો લોખંડનો સળીયો તુટી જતા ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રક ઉંધો વળી ગયો હતો. પરીણામે સ્થળ પર શ્રમીકોની ચીસાચીસ અને બચાવોના પોકાળથી વાતાવરણ ભરાઇ ગયું હતું. પોલીસ સ્થળ પર પહોંચી અને ક્રેઇન મારફત ટ્રક સીધ્ધો કર્યો ત્યાં સુધીમાં તો 16 મજુરો મૃત્યુને ભેટયા હતા અને પાંચને ગંભીર ઇજાઓ થવા પામી હતી. મૃતકોમાં પાંચ અને ત્રણ વર્ષની વયના બે બાળકો પણ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી વળી છે. પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.