નેપાળ-ભારતે ૧૦૮ કિલોમીટર લાંબા નવા બંધાયેલા રસ્તાનું સંયુક્તપણે ઉદ્ધાટન કર્યું

નેપાળ અને ભારતે ૧૦૮ કિલોમીટર લાંબા નવા બંધાયેલા રસ્તાનું સંયુકતપણે ઉદ્ઘાટન કર્યું. આ રસ્તો ભારતીય સરહદને નેપાળના કેટલાંય વિસ્તારો સાથે જોડે છે. ભારતીય દૂતાવાસએ કહૃાું કે ભારતની સહાયતાથી બનેલ રસ્તો ભારતીય સરહદ લક્ષ્મીપુરા-બલારાને નેપાળના સરલાહી જિલ્લાના ગઢૈયા સાથે જોડે છે. ભારતે-નેપાળ સરહદને જોડનાર નવ નિર્મિત રસ્તો લોકોની અવરજવરને સુગમ બનાવશે.

આ માર્ગનું ઉદ્ઘાટન બિરગંજ ખાતે ભારતના કોન્સ્યુલેટ જનરલના નિતેશ કુમાર અને ચંદ્રનિગાહપુરના માર્ગ વિભાગના મંડલીય વડા બિનોદકુમાર મૌવાર દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નિવેદન અનુસાર, ભારતના ૪૪.૪૪૮ કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ રસ્તા નિર્માણ માટે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નેપાળને ભારત વિરૂદ્ધ ભડકાવાનું કામ પાછલા બારણે ચીન સતત કરી રહૃાું છે. પરંતુ આ રસ્તાના ઉદ્ઘાટને બંને દેશ વચ્ચેની મિત્રતાનું ‘જીવતું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે માનસરોવર લિંકને લઈને બંને દેશોની વચ્ચે તણાવ ઉભો થયો હતો ત્યારે નેપાળ દ્વારા ભારતના માર્ગ નિર્માણ અંગે વાંધો ઉઠાવામાં આવ્યો હતો. નેપાળે દાવો કર્યો હતો કે લિપુલેખ, કલાપાની અને લિમ્પિયાધુરા તેમનો વિસ્તાર છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પણ દેશનો નવો નકશો બહાર પાડ્યો હતો.