ઇન્સ્ટાગ્રામ ઉપર ‘જિંદગી જીવવા જેવી નથી રહી’ પોસ્ટ કરી ડોક્ટરે જિંદગી ટૂંકાવી

ઇન્સ્ટાગ્રામ ઉપર 'જિંદગી જીવવા જેવી નથી રહી' પોસ્ટ કરી ડોક્ટરે જિંદગી ટૂંકાવી
ઇન્સ્ટાગ્રામ ઉપર 'જિંદગી જીવવા જેવી નથી રહી' પોસ્ટ કરી ડોક્ટરે જિંદગી ટૂંકાવી

શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા આયુર્વેદિક ડોક્ટરે મંગળવારે રાત્રે પત્ની અને પુત્રી બહાર ગયા હતા ત્યારે ઘરમાં સર્જિકલ બ્લેડથી પોતાના હાથની નસ કાપીને જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે ડોક્ટર માનસીક તણાવમાં રહેતા હતા. 

મૃતક પ્રશાંત ચંદ્રકાંતભાઇ ભાવસાર મુળ મહારાષ્ટ્રના દોંડાઇચા ગામના છે તેઓ ઘણા સમયથી વડોદરામાં સ્થાઇ થયા છે અને ભાયલી કેનાલ રોડ ઉપર કિશન ક્લાસિક બિલ્ડિંગમાં આયુર્વેદિક ડોક્ટર પત્ની યોગીતા અને પુત્રી સાથે રહેતા હતા. મંગળવારે રાત્રે ડો.પ્રશાંત ભાવસારે તેના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.પર ‘જિંદગી જીવવા જેવી નથી રહી’ તેવી પોસ્ટ કરી હતી. આ પોસ્ટ પ્રશાંતના મિત્રએ જોઇ હતી તેણે તુરંત પ્રશાંતની પત્ની યોગીતાને ફોન કરીને આ જાણકારી આપી હતી. આ સમયે યોગીતા અને તેની પુત્રી ગોત્રીમાં રહેતા પ્રશાંતના બનેવીના ઘરે આવ્યા હતા. યોગીતા અને અન્ય લોકો દોડીને ઘરે પહોંચ્યા હતા.

ઘરમાં જોયુ તો પ્રશાંત બેડ ઉપર બેભાન અવસ્થામાં હતો. ખાલી ઇન્જેક્શન બાજુમાં પડયા હતા. ઇન્જેક્શનની નીડલ ડાબા હાથમાં ભરાવેલી હતી અને સર્જિકલ બ્લેડથી નસ કાપી નાખી હતી.પ્રશાંતને હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રશાંતની પત્ની પણ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. પુત્રી સાથે તે મહારાષ્ટ્રમાં ગઇ હતી. ૨૭ એપ્રિલે માતા પુત્રી પરત ફર્યા ત્યારે પણ સાંજે પ્રશાંત સાથે તકરાર થતાં યોગીતા અને તેની પુત્રી ગોત્રી હરીઓમ નગરમાં રહેતા પ્રશાંતના બનેવીના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે પ્રશાંત તેને મનાવીને પરત લાવ્યો હતો. ફરી ૨૯ તારીખે તકરાર થતાં યોગીતા અને તેની પુત્રી પ્રશાંતના બનેલીના ઘરે જતા રહ્યા હતા તે સમયે પણ પ્રશાંત એવુ કહેતો હતો કે જિંદગી જીવવા જેવી રહી નથી. ઘટનાની તપાસ જે.પી.રોડ પોલીસ સ્ટેશનના અધિકારી આર.ડી.સોલંકી કરી રહ્યા છે.