મસાલાના વેપારીને તાત્કાલિક લાઈસન્સ આપી દેતા વિવાદ

મસાલાના વેપારીને તાત્કાલિક લાઈસન્સ આપી દેતા વિવાદ
મસાલાના વેપારીને તાત્કાલિક લાઈસન્સ આપી દેતા વિવાદ

વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ સિટીના સ્માર્ટ વહીવટ અને ગતિશીલ વહીવટનો ઉત્તમ નમૂનો મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે મસાલા નો વ્યાપાર કરનાર વેપારી માટે અમલમાં મુકાયો છે.

 વડોદરા કોર્પોરેશનએ વ્યાપારમાં ગઈકાલે બંધ આજે ખુલ્લુની નવી કહેવત ચલણમાં મૂકી છે. શહેરના એક વરિષ્ઠ ધારાસભ્ય અવાર નવાર ખાદ્ય પદાર્થો, પીણાં, મસાલા ઈત્યાદિમાં ભેળસેળની બૂમો પાડે છે અને તપાસણી સઘન બનાવવા તાકીદ કરે છે.

 હાલમાં કારેલીબાગ વિસ્તારમાં એક મસાલાની હાટડીના કિસ્સામાં પાલિકાની જાદુઈ કરામત ચર્ચાના ચગડોળે ચઢી છે. આ હાટડીને કોર્પોરેશન  દ્વારા એક દિવસ જાણે કે શુભમુહુર્ત કાઢવાનું હોય તેમ બંધ કરાવવામાં આવી અને બીજે દિવસે ખુલ જા સિમસિમનો મંત્ર બોલીને જાણે કે ખોલી આપવામાં આવી.

 કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે મસાલાનો વ્યાપાર કરનાર સ્કાય ટોપ પ્રોડક્ટ ના સંચાલકે આરોગ્યના લાયસન્સ માટે અરજી કરી હતી પરંતુ તે અરજી મંજૂર થાય તે અગાઉથી જ વેપારીએ મસાલાના વેચાણ શરૂ કરી દીધા હતા. જેથી કોર્પોરેશન આ મસાલાનું વેચાણ બંધ કરાવ્યું હતું. ત્યારબાદ બીજે જ દિવસે તાત્કાલિક તેઓનું લાઇસન્સ મંજૂર કરી વ્યાપાર શરૂ કરવાની પરવાનગી આપી દીધી હતી.

 કોર્પોરેશનના વર્તુળોનું કહેવું છે કે, પરવાનાની ચકાસણી માટે દુકાન બંધ કરાવવામાં આવી હતી. તો પછી એક જ દિવસમાં પરવાનાની ખામીનું નિવારણ કેવી રીતે થઈ ગયું? વહીવટ એટલો તો કેટલો ગતિશીલ કે રાતોરાત પરવાનો નીકળી ગયો. થોડા સમય પહેલા એવી ચર્ચા જાગી હતી કે, ફૂડ લાયસન્સ જોઈતું હોય તો પાલિકા કચેરી સામે એક ઝેરોક્ષ સેન્ટર છે એની મુલાકાત લઈને વહીવટ સમજી લેવો. બાકી તમારી અરજીથી પડતર અરજીઓની સંખ્યામાં એકનો વધારો થઈ જશે. સમજદાર લોકો ઈશારામાં સમજી જાય છે અને જે ના સમજ છે એ અટવાય છે. સાચું ખોટું રામ જાણે. બાકી આ બધું લોકચર્ચામાં છે.

 શહેરમાં ઉનાળો બેસતાની સાથે તાજા મસાલા દળી આપતી ચક્કીઓ અને આખા મસાલાના વેચાણની હાટડીઓ મંડાઈ જાય છે. આ ઇન્સ્તંત દુકાનોને કોણ પરવાનો આપે છે? એમની પાસે અધિકૃત પરવાનો હોય છે ખરો? નમૂના લઇને ખાદ્ય મસાલાની ગુણવત્તા ક્યારેય ચકાસવામાં આવે છે ખરી? આ પ્રશ્નો લોકોને મૂંઝવે છે. પછી લોકો પણ આ તો આવું જ ચાલેની નીતિ સમજીને પોતાનો રસ્તો કરી લે છે.