છેલ્‍લા એક વર્ષમાં સોના-ચાંદીમાં રોકાણકારોને ચાંદી…ચાંદી

છેલ્‍લા એક વર્ષમાં સોના-ચાંદીમાં રોકાણકારોને ચાંદી...ચાંદી
છેલ્‍લા એક વર્ષમાં સોના-ચાંદીમાં રોકાણકારોને ચાંદી...ચાંદી

સોના અને ચાંદીએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. સોનાના ઘરેલુ વાયદાનો ભાવ અત્યારે 10 ગ્રામ દીઠ રૂપિયા 72,000 આસપાસ છે. ગયા સપ્તાહમાં કામકાજના અંતિમ દિવસે MCX પર 5મી જૂન 2024ના રોજ ડિલીવરી વાળા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ભાવ રૂપિયા 71,920 રહ્યો હતો.

જ્યારે ચાંદીનો ઘરેલુ ભાવ MCX પર રૂપિયા 83,040 પ્રતી કિલો રહ્યો હતો. વૈશ્વિક સ્તરે સોનાના ભાવ 2,374.10 ડોલર અને ચાંદીનો ભાવ ઔંસદીઠ 28.33 ડોલર રહ્યો છે.

આ છેલ્લા 1 વર્ષમાં સોનાના રોકાણ અંગે વાત કરવામાં આવે તો રોકાણકારોને 26.43 ટકાથી વધારે વળતર મળ્યું છે. આ એક વર્ષમાં સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂપિયા 13,000 વધી છે. અગાઉના ત્રણ વર્ષમાં સોનામાં વળતરની વાત કરવામાં આવે તો તે અનુક્રમે 14.25 ટકા, 11.18 ટકા અને 15.63 ટકા જેટલું વળતર આપ્યું હતું.

જ્યારે ચાંદીની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 19.79 ટકા વળતર આપ્યું છે. એક વર્ષમાં ચાંદીનો ભાવ કિલો દીઠ રૂપિયા 13,500 વધ્યા છે. ગયા વર્ષે ચાંદીએ ફક્ત 3.84 ટકા વળતર આપ્યું હતું. તેની અગાઉના વર્ષે નકારાત્મક 1.94 ટકા વળતર આપ્યું હતું. 25 માર્ચ 2020થી 13 એપ્રિલ 2021 વચ્ચે ચાંદીએ બમ્પર 70.02 ટકા વળતર આપ્યું હતું.