વડોદરા નજીક મેડિકલની ચોથા વર્ષની વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા મેડિકલની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરી લેનાર વિદ્યાર્થીની કોલેજ શરૂ થતાં ૪ જાન્યુઆરીના દિવસે જ કોલેજમાં આવી હતી. કોલેજમાં આવ્યાના ૫ દિવસમાં જ મેડિકલની વિદ્યાર્થીની આપઘાત કરી લેતા કેમ્પસમાં ચકચાર જગાવી મૂકી હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠની વામા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ફિઝિયોથેરાપીના ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરતી શ્રૃતિબહેન નિલેશભાઇ નાયક (ઉં.વ.૨૧) પોતાની હોસ્ટેલના સાતમા માળેથી મોતનો ભૂસકો માર્યો હતો.

હોસ્ટલના નીચેથી પડ્યાનો અવાજ આવતા જ હોસ્ટેલમાં ચિફ વોર્ડન તરીકે નોકરી કરતા વિપુલભાઇ પંડ્યા, ફરજ ઉપરની સિક્યુરીટી તેમજ અન્ય સ્ટુડન્ટ્સ લોકો દોડી આવ્યા હતા અને હોસ્ટેલના સાતમા માળેથી પટકાયેલી શ્રૃતિને તુરંત જ કારમાં કેમ્પસ સ્થિત ધીરજ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી, પરંતુ, હોસ્પિટલના તબીબોના ઘનિષ્ઠ પ્રયાસો છતાં શ્રૃતિ નાયક બચી શકી ન હતી. દરમિયાન આ બનાવ અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ સ્ટાફ સાથે વિદ્યાપીઠમાં દોડી ગયા હતા.

અને લાશનો કબજો લઇ લાશને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મૂકી આપી હતી. બીજી બાજુ ચિફ વોર્ડન દ્વારા શ્રૃતિ નાયકના આપઘાતની જાણ તેઓના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના શાખી ગામમાં રહેતા પરિવારને કરતા તેઓના પરિવારજનો વિદ્યાપીઠ ખાતે દોડી આવ્યા હતા. વિદ્યાપીઠમાં આવ્યા બાદ શ્રૃતિએ આપઘાત કરતા મોત નીપજ્યું હોવાના સમાચાર મળતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. પરિવારજનોના હૈયાફાટ રૂદને વિદ્યાપીઠમાં સન્નાટો પાથરી દૃીધો હતો.