વડોદરામાં લેબોરેટરીનો બોગસ કોરોના પોઝિટિવ રિપોર્ટ બનાવનાર સામે ફરિયાદ

વડોદરા શહેરમાં લેબોરેટરીનો બોગસ કોરોના પોઝિટિવ રિપોર્ટ બનાવી તેનો ઇન્સ્યોરન્સ કંપનીમાં ઉપયોગ કરીને આર્થિક ફાયદા માટે મેડીક્લેમના નાણાં પડવાનું તરકટ રચનારા શખસ વિરૂદ્ધ લેબોરેટરીના સંચાલકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે જે.પી.રોડ પોલીસે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા તબીબ ડો. અંકિત ઝવેરી રાધાકૃષ્ણ ચાર રસ્તા નજીક લેબોરેટરી ધરાવે છે, જેમાં કોરોના ટેસ્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે.

૧૫ ડિસેમ્બરના રોજ એચડીએફસી એગ્રો હેલ્થ મેડિક્લેમ ઈન્સ્યોરન્સ કંપની તરફથી એક દર્દી નિમેષકુમાર પરમાર(રહે, લિવઇમ સેવાસી, ગોત્રી રોડ, વડોદરા)નો કોવિડ-૧૯ પોઝિટિવ ટેસ્ટ અંગેનો રિપોર્ટ ડો. રવિ પટેલના રેફરન્સથી આવ્યો હતો. જે અંગે શંકા જતા લેબોરેટરીના ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આવી કોઈ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો કોવિડ-૧૯ ટેસ્ટ આ લેબ દ્વારા કરવામાં આવ્યો નથી અને કોવિડ-૧૯ પોઝિટિવ રિપોર્ટ આ લેબમાંથી આપવામાં આવ્યો નથી.

આ અંગેની જાણ ઈન્સ્યોરન્સ કંપનીને પણ કરવામાં આવી હતી. આમ પોતાના અંગત ફાયદા માટે મેડીક્લેમના નાણાં મેળવવા બનાવટી રિપોર્ટ ઊભો કર્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી. જેથી લેબોરેટરી સંચાલકે જે.પી.રોડ પોલીસ મથકે નિમેષ કુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.