ભાવનગરના ભરતનગરમાં હાઉસીંગ બોર્ડના જર્જરીત મકાનો તોડવાની કામગીરી શરૂ

સરકાર દ્વારા હાઉસીંગ બોર્ડની આ યોજનાને રિ ડેવલોિંપગ માટેની મંજુરી અપાતા તેની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ધમાનનગર, આદર્શનગર, ૫૧૬ એમ.આઇ.જી. ના મકાનો નવા બનવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને એજન્સી દ્વારા એકાદ અઠવાડીયાથી જર્જરીત થયેલા વર્ધમાન નગર અને આદર્શનગરના ત્રણ માળિયાના મકાનો પાડાવાની કામગીરી પુર જોશથી શરૂ કરવામાં આવી દીધી છે અને હવે ત્યાંના રહેતા લોકોને પણ નવા મકાનો મળશે તેવો હાશકારો થવા પામ્યો છે. મકાનો તૈયાર થયે જુના માલિકોને સોંપવામાં આવશે તેવું હાઉસીંગ બોર્ડના એક અધિકારી સાથેની વાતચિતમાં જાણવા મળ્યું છે.

શહેરના ભરતનગર ખાતે હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવાયેલા વર્ધમાનનગર અને આદૃર્શનગરના મકાનો જર્જરીત થઇ જતાં છ વર્ષ પૂર્વે તમામ મકાનોમાં રહેતા લોકોને ખાલી કરાવાયા હતા અને નવા મકાનો બનાવી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ વાતને લાંબો સમય થઇ જતાં તે મકાનમાં રહેતા લોકો દ્વારા વારંવાર રજુઆતો અને દેકારા પણ કરવામાં આવ્યા હતા. આ અંગે હાઉસીંગ બોર્ડ અને વહિવટી તંત્ર સમક્ષ આવેદન પત્રો આપી મકાન વહેલી તકે બનાવવા અને ભાડું આપવાની પણ માંગ કરવામાં આવી હતી.