કેરળમાં બ્રિટનથી આવેલા ૮ અને કર્ણાટકમાં ૧૪ પ્રવાસી કોરોના પોઝિટિવ

બ્રિટનમાં સામે આવેલો કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન દેશની સરહદો વટાવીને યુરોપ અને એશિયાના દેશો તરફ પ્રયાણ કરી ચૂક્યો છે ત્યારે ભારતની ચિંતામાં વધારો થાય તેવા અહેવાલો પ્રાપ્ત થયાં છે. ભારતમાં કોરોના વાઇરસનો સૌપ્રથમ કેસ નોંધાયો હતો તેવા કેરળમાં હવે કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો હોવાની શંકા રાજ્યના આરોગ્ય મંત્રી કે. કે. શૈલજા દ્વારા વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં બ્રિટનથી કેરળ આવી પહોંચેલા પ્રવાસીઓ પૈકીના આઠના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતાં. કોઝિકોડમાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા રિસર્ચમાં જોવા મળ્યું છે કે કોરોના વાઇરસના પ્રકારમાં બદલાવ નોંધાયો છે.

આઠ કોરોના સંક્રમિત લોકોમાં વાઇરસ મ્યૂટેટ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે આ કથિત કોરોના સ્ટ્રેન બ્રિટનમાં સામે આવેલો નવો વધુ ચેપી પ્રકારનો કોરોના વાઇરસ છે કે કેમ તે જાણવા માટે અમે આ દર્દીઓના સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજી ખાતે મોકલી આપ્યાં છે. તે ઉપરાંત અમે કેરળના તમામ જિલ્લામાં રિસર્ચની કામગીરી શરૂ કરી છે. બીજીતરફ કર્ણાટકમાં બ્રિટનથી આવેલા ૧૪ પ્રવાસીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે. સુધાકરે જણાવ્યું હતું કે, બ્રિટનથી આવેલા પ્રવાસીઓ પૈકીના ૧૪ના સેમ્પલ પોઝિટિવ આવ્યાં હતાં.

તેમનામાં મળેલો વાઇરસ બ્રિટનનો નવો સ્ટ્રેન છે કે કેમ તે ચકાસવા માટે અમે તેમના સેમ્પલ પૂણે સ્થિત લેબમાં તપાસ માટે મોકલી આપ્યાં છે.

કર્ણાટકમાં કુલ ૨,૫૦૦ પ્રવાસી બ્રિટનથી પરત આવ્યાં છે અને તેમાંથી ૧,૬૩૮ પ્રવાસીના ટેસ્ટ કરાયાં હતાં. કોરોના સંક્રમિતોના સેમ્પલ વધુ જિનેટિક સિક્વન્સિંગ માટે એનઆઈએમએચએએનએસ ખાતે મોકલી અપાયાં છે. બ્રિટનના નવા સ્ટ્રેન પર ભારતમાં કોરોના ટાસ્ક ફોર્સે ગંભીર વિચારણા શરૂ કરીબ્રિટનમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન અને કેરળમાં કોરોના વાઇરસમાં આવેલા બદૃલાવના પગલે આઇસીએમઆરે શનિવારે એક બેઠક બોલાવી હતી. બેઠકમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગ, દર્દીની સારવાર અને સર્વેલન્સ વ્યૂહરચના પર ગંભીર વિચારણા હાથ ધરાઇ હતી.