ગુજરાત વિધાનસભામાં યુવાનો અને મહિલાઓની નામ માત્ર હાજરી!

ગુજરાત વિધાનસભામાં યુવાનો અને મહિલાઓની નામ માત્ર હાજરી!
ગુજરાત વિધાનસભામાં યુવાનો અને મહિલાઓની નામ માત્ર હાજરી!
આપણે છાશવારે તમામ રાજકીય પક્ષોનાં નેતાઓનાં મોઢે એમના ભાષણોમાં મહિલા સશક્તિકરણ અને યુવાનોને દરેક ક્ષેત્રમાં વધુ તક આપવાની વાતો સાંભળતા રહીએ છીએ. દરેક પક્ષનાં નેતાઓ ચૂંટણીઓ હોય ત્યારે અને ચૂંટણી પછીનાં કાર્યક્રમોમાં જોરશોરથી મહિલા અને યુવાનોને રાજકારણમાં આવવાની અપીલ કરતા દેખાતા હોય છે. મહિલા સશક્તિકરણ દેશ માટે અને રાજ્યોમાં વિકાસ માટે પાયારૂપ છે. એવી સુફિયાણી વાતોથી એમના ભાષણો ગાજતા રહે છે. યુવાનોએ રાજકારણમાં આવીને કારકિર્દી જમાવવા સાથે લોકસેવાની દિશામાં આગળ આવવું જોઈએ. એવી અપીલો પણ આપણે સાંભળતા રહીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

સરકાર વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓને સમાન અધિકારો તથા યુવાનોને તકનાં વચનોની વાતોથી આકાશ અને ધરતી ભરી દયે છે. પણ આપણા દેશમાં વચનો અને તેની વાસ્તવિકતા વચ્ચે હંમેશા જોજનો લાંબુ અંતર જોવા મળે છે. આપણી લોકસભા અને ગુજરાત વિધાનસભાની જ વાત કરીએ તો આઝાદી પછી અત્યાર સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો સ્પષ્ટ દેખાઈ આવશે કે લોકસભા હોય કે રાજ્યોનાં વિધાનગૃહો યા વિધાન પરિષદો હોય તેમાં મહિલાઓ અને યુવા પ્રતિનિધિઓનું પ્રતિનિધિત્વ નામ માત્રનું જોવા મળ્યું છે. એટલે એ સ્પષ્ટ બને છે કે, ટિકિટોની વહેચણી થાય ત્યારે રાજકીય પક્ષોને માથું ધોળું થઇ ગયું હોય એવા નેતાઓની પસંદગી કરવામાં જ વધુ રસ હોય છે. યુવાનો અને મહિલાઓને વધુ તક આપવાની હિંમત કરતા નથી. જો સંસદ અને વિધાનગૃહોનાં ફોર્મેશનની વાત કરીએ તો આંકડાઓ જુદી જ કહાણી બ્યાન કરે છે અને મહિલાઓ તથા યુવાનોને સમાન તકની વાતો બણગાં સમાન પુરવાર થતી દેખાઈ આવે છે.

આના કારણો અને પૃથ્થકરણની ચર્ચા કરવા બેસીએ તો ઘણી લાંબી ડીબેટ કરવી પડે પણ વાસ્તવિકતા એ છે કે, સંસદ અને ધારાગૃહોમાં મહિલા અને યુવાનોને પૂરતું પ્રતિનિધિત્વ કદી આપવામાં આવ્યું નથી. વચનો સાકાર થયા નથી અથવા તો જાણીજોઇને કરવામાં આવ્યા નથી. એટલે કમનસીબી આપણા દેશની એ છે કે, મહિલા સશક્તિકરણ અને યુવાનોને રાજકારણમાં તકનાં શબ્દો માત્ર શબ્દો બનીને રહી ગયા છે અને તેને અમલીરૂપ આપવામાં આવતું નથી અથવા તો પૂરતા પ્રમાણમાં વાયદાઓનો અમલ કરવામાં આવતો નથી. જેના કારણે લોક અને જન વિકાસ માટે અતિજરૂરી એવા ધારાગૃહ મંચ પર જ દેશની સૌથી મોટી વસ્તી ગણાતા યુવાનો અને મહિલાઓનું પ્રતિનિધિત્વ જ સૌથી ઓછું રહેવા પામે છે.

એના માટે કોઈ એક પક્ષને દોષિત ઠરાવી શકાય તેમ નથી. તમામ પક્ષો એ દિશામાં સમાન રીતે વિચારતા હોય એવું દેખાય છે. ભાજપ કંઇક નવું કરી બતાવશે એવી હજુ યુવા અને મહિલા વર્ગ આશા રાખીને બેઠો છે. ભવિષ્યમાં આંકડાઓ વધે એવી આશા રાખીએ તો પણ અત્યાર સુધીની પરિસ્થિતિ ખૂબ જ કંગાળ રહી છે એટલે કે ધારાગૃહોમાં મહિલાઓ અને યુવાનોની સંખ્યા ખૂબ જ ઓછી રહી છે. આંકડા તેની ગવાહી પૂરે છે.

ગુજરાત વિધાનસભાનાં વર્તમાન ગૃહની વાત કરીએ તો આંકડા એક અલગ કહાણી રજુ કરે છે. વર્તમાન ધારાગૃહમાં 40 વર્ષની વય કે તેથી ઓછી વયનાં સભ્યોની સંખ્યા માત્ર 7 જેટલી છે. એ સભ્યો એટલે આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અનંત પટેલ, કનુભાઈ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, ભાવેશ કટારા, ઝંખનાબેન પટેલ અને માલતીબેન મહેશ્ર્વરી છે. હવે તમે જ વિચાર કરો 182 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી ગુજરાત વિધાનસભામાં યુવાનોનું અને મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું નગણ્ય છે. એ આના પરથી સાબિત થાય છે. તેની સામે 80 વર્ષની ઉપરની વય સુધી પહોંચી ગયા હોય એવા સભ્યોની સંખ્યા પૂરી 11 છે. જેમનો જન્મ 1944 થી 1948 વચ્ચે થયો હોય એવા વયોવૃધ્ધ અને બુઝુર્ગ ધારાસભ્યો પણ ઘણા બિરાજમાન છે.

1982 પછી ધારાગૃહોનાં વયલક્ષી ફોર્મેશનની વાત કરીએ તો 40 વર્ષથી ઓછી ઉંમરનાં યુવા ધારાસભ્યોની ટકાવારી માત્ર 3.30 ટકા રહી છે. વર્તમાન ધારાગૃહમાં 1962 પહેલા જન્મેલા 60 કે તેથી વધુ ઉંમરનાં સભ્યોની ટકાવારી 46.70 ટકા જેટલી છે. 40 થી 60 વર્ષની વચ્ચેની વયજૂથનાં સભ્યો 90 જેટલા છે અને ટકાવારી 50.24 ટકા જેટલી છે. મહિલાઓનું સંખ્યાબળ માત્ર 13 જેટલું છે. એટલે એમના પ્રતિનિધિત્વની ટકાવારી માત્ર 7.14 ટકા જેટલી છે. આ આંકડા શું સૂચવે છે એ વાંચકો સમજી ગયા હશે. સ્પષ્ટ દેખાઈ આવે છે કે, મહિલા સશક્તિકરણ અને યુવા પ્રતિનિધિત્વનાં વચનોનાં ગાજ્યા મેઘ કદી વરસતા જ નથી.

આપણો દેશ યુવાનોથી ભરપુર છે. શિક્ષિત મહિલાઓ અને યુવાનોની સંખ્યા હંમેશા વધુ રહી છે. એ દ્રષ્ટિએ જોઈએ તો સામાન્ય તર્ક મુજબ દર પાંચ વર્ષે રચાતી લોકસભાનાં ગૃહમાં યુવા સભ્યોની સંખ્યા વધવી જોઈએ. પરંતુ નાં એવું બિલકુલ થયું જ નથી. આંકડા આપણને આઘાત આપે તેવા છે. યુવાનોને પ્રતિનિધિત્વ આપવાની દિશામાં રાજકીય લોકોની વાતો અને વચનો હવામાં જ અધ્ધરતાલ રહ્યા છે. તેનો એટલે કે આ વચનનો બિલકુલ નિષ્ઠાપૂર્વક અમલ કરવામાં આવ્યો નથી અને કોઈ ગંભીરતા બતાવવામાં આવી નથી. યુવાનો અને મહિલાઓને વધુને વધુ તક આપી નવા અને કોરીપાટીનાં ચહેરા સંસદ અને ધારાગૃહમાં લાવવાની વાતો માત્ર ફીફા ખાંડવા સમાન બની રહી છે. ગુજરાત ધારાસભામાં આ રીતે 40 વર્ષ કે તેથી ઓછી વયનાં જે 7 ધારાસભ્યો છે એ દર્શાવે છે કે યુવાનોને તક આપવાની અને મહિલા સશક્તિકરણની વાતો વચનોનાં કોચલામાંથી બહાર આવી નથી અને અમલીકરણનું રૂપ આપવામાં આવ્યું નથી.

Read About Weather here

આગામી વર્ષોમાં આ પરિસ્થિતિમાં ફેરફાર થાય એવી જનતા આશા રાખે છે. રાજકીય સંચાલકો, યુવા અને મહિલા શક્તિને ખરેખર આગળ લાવી નવા વિચારો સાથે વિકાસને નવી દિશા આપવા માંગતા હોય તો માત્ર વાયદા કરીને બેસી રહેવું ન જોઈએ. પણ વધુને વધુ સંખ્યામાં યુવાનો અને મહિલાઓને ધારાગૃહમાં મોકલવાનું રાજકીય સાહસ કરી બતાવવું જોઈએ અને આ સાહસ કદી નિષ્ફળ જઈ શકે નહીં. યુવા પેઢી ચેતના, જોમ અને જોશથી ભરપુર હોય છે. સમાજ અને લોકો માટે કંઇક કરી બતાવવાની ભાવનાથી એમનું રોમેરોમ છલકતું હોય છે. એટલે દરેક પક્ષોએ હવે યુવા પેઢીને વધુ તક આપીને રાજકારણનું કલેવર બદલવાની જરૂર છે. માત્ર વાતોનાં વડાથી નહીં ચાલે. કહ્યું એ કર્યું જ તે મંત્ર સાકાર કરી બતાવવો પડશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here