વેક્સિન ક્યારે અને ક્યા મુકાવવા જવાની છે તેનો મોબાઈલમાં એસએમએસ આવશે

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહૃાો છે. રસી માટે સરવેમાં જે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હશે તેમાં ક્યારે અને ક્યા રસી માટે જવાનું છે તેનો મેસેજ આવશે. ત્યારબાદ રસીકરણ કેન્દ્ર પર ચાર ઓફિસરને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી છે.

સરવેમાં જેમના રજિસ્ટર્ડ થયા છે તેમને જ રસી મૂકવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું કે, કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ માટે લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, જેની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થવા તરફ છે. આ માટે દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા કોવિડ એપ બનાવવામાં આવે છે. ટેક્નોલોજી દ્વારા સમગ્રપણે સંચાલિત થનારી આ કામગીરી હેઠળ બે તબક્કામાં કોરોના વિરોધી રસી લાભાર્થીઓને મૂકવામાં આવશે, જે લોકો રજિસ્ટર્ડ થયેલા હશે તેમને જ રસી મૂકી શકાશે.

રસીકરણ કામગીરી માટે વેઈટીંગ રૂમ, રસીકરણ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ તૈયાર કરવામાં આવશે. જે મોટા, હવા-ઉજાસવાળા, પીવાના પાણીની સગવડવાળા, હેન્ડવોશ અને સેનિટેશનની સુવિધાવાળા હશે.