સરકારી શાળામાં ખાનગી જેવી સુવિધા:ગાંધીનગરના રાજપુરની સ્કૂલમાં સ્વિમિંગ પૂલ, વિદ્યાર્થીઓને અપાય છે ફાયરિંગની ટ્રેનિંગ, નેતૃત્વક્ષમતા વધારવા દર વર્ષે યોજાય છે ચૂંટણી

ગુજરાતની ઘણી સરકારી સ્કૂલોમાં ખાનગી સ્કૂલો જેવી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. ગુજરાતની આદર્શ શાળાની શ્રેણીમાં આજે અમે ગાંધીનગરના રાજપુરમાં આવેલી સરકારી સ્કૂલ અંગે વાત કરી રહ્યા છીએ. અમદાવાદ શહેરથી 50 કિ.મી. દૂર આવેલા રાજપુર ગામની એક સરકારી સ્કૂલમાં અદ્યતન સુવિધાઓની સાથોસાથ અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે, જે વિદ્યાર્થીનું ભણતરની સાથે ઘડતર કરવામાં મદદરૂપ થાય છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સ્વિમિંગ પૂલની સુવિધા આપવામાં આવી છે, બાળકોને ફાયરિંગની ટ્રેનિંગ અને નેતૃત્વ કરી શકે એ માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. સ્કૂલના વિદ્યાર્થીઓનું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રીથી લઇને વિધાનસભા અધ્યક્ષ સુધીના પદ હોય છે અને એ માટે ખાસ ચૂંટણી અને મતદાન પણ કરવામાં આવે છે.

શિસ્ત અને પર્સનાલિટી ડેવલપમેન્ટના પાઠ ભણાવાય છે
મોટાં શહેરોમાં અનેક અદ્યતન સુવિધા ધરાવતી ખાનગી સ્કૂલોમાં લાખો રૂપિયાની ફી લેવામાં આવતી હોય તોપણ વિદ્યાર્થીને શિસ્ત અને પર્સનાલિટી ડેવલપમેન્ટના પાઠ ભણાવવા માટે અલગથી ફી વસૂલવામાં આવતી હોય છે, પરંતુ રાજપુર ગામમાં આવેલી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે શિસ્ત અને પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગે ભણાવવામાં આવે છે. જેથી તેઓ જ્યારે સ્કૂલમાંથી ભણીને બહાર નીકળે ત્યારે માત્ર ભણતર નહીં, પરંતુ જીવનનું ઘડતર કરીને પણ નીકળે છે.