ધન તેરસનાં દિૃવસે ૫ લાખ ભરેલી ખોવાયેલી બેગ પાછી આપીને વૃદ્ધે માનવતા મહેંકાવી

જૂનાગઢમાં એક વૃદ્ધે દિવાળીના તહેવારોમાં માનવતા મહેકાવી છે. ૬૦ વર્ષના વૃદ્ધે ધનતેરસના દિવસે ખોવાયેલું ધન મૂળ માલિકને પરત કર્યું હતું. જેની હાલમાં ખુબ જ ચર્ચા થઇ રહી છે. જૂનાગઢ જિલ્લાના વંથલીના સુખપુરના એક પરિવારનું ૫ લાખની વસ્તુ સાથેની બેગ પડી ગઇ હતી. જે મામલે તેમણે પોલીસને જાણ પણ કરી હતી. આ દરમિયાન આ ખોવાયેલી બેગ ૬૦ વર્ષીય એક વૃદ્ધને મળી હતી.

જોકે આ સમયે વૃદ્ધે બેગની તપાસ કરી હતી અને તેમા રહેલી રોકડ અને સોનું જોઇ તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. પરંતુ તેમને આ બેગમાં રહેલા રૂપિયા પ્રત્યે સહેજ પણ લાલચ આવી ન હતી અને તાત્કાલિક ધોરણે તેમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાદ્યો હતો. અને આ બેગ પોલીસને સોંપી હતી. બાદમાં પોલીસે પણ વંથલીના પરિવારને આ વિશે જાણ કરી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ધનતેરસના દિવસે ખોવાયેલું ધન મૂળ માલિકને પરત કર્યું હતું.

સુખપુરમાં રહેતાં રેખાબેનની બેગમાં સોના-ચાંદીના દાગીના, કપડાં, મોબાઈલ અને રોકડ રકમ ૨,૮૦,૦૦૦ સહિત કુલ ૫ લાખની કિંમતનો સામાન હતો. આ બેગ ખોવાઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. ઝાંઝરડા રોડ પર રહેતા ૬૦ વર્ષના સિનિયર સિટિઝન વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ મોણપરા પટેલે સહેજ પણ લાલચ રાખ્યા વગર મૂળ માલિકને બેગ આપતા માનવતા મહેકી ઉઠી હતી. પોલીસે પણ વિઠ્ઠલભાઇનો આભાર માન્યો હતો.