તોડકાંડ કમિશનરનાં બે અતિ વૈભવી મોંઘા બંગલા, એક સ્વજન દ્વારા 3 કરોડની ઝવેરાતની ખરીદીનું શું?: હાર્દિક પટેલ

હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું
હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું

રાજકોટનાં ચોક્કસ ઉચ્ચ અધિકારી અને ખાસ બ્રાન્ચનાં વૈભવી બંગલાઓ અને ગાડી આવ્યા ક્યાંથી? હવે માત્ર તપાસનાં નાટકો ન કરો: કોંગ્રેસનાં નેતા કાળઝાળ
હથિયારોનાં પરવાના કેટલી રકમમાં અપાય છે એ રાજકોટની જનતા જાણે છે, વર્તમાન કમિશનર ફરિયાદીને મળતા નથી માત્ર લાભ આપનારા ચોક્કસ તત્વોને જ મળતા હોવાનો હાર્દિકનો આક્ષેપ
શ્ર્વાનના જન્મદિવસની ઉજવણી, ગાડીઓની ભેટ જેવા પ્રકરણોમાં ઊંડી અને નિષ્પક્ષ તપાસ થાય તો કૌભાંડનો આંકડો રૂ.1 હજાર કરોડને પાર થઇ જવો સંભવ: અલગ- અલગ ચોકીઓ ખોલીને દુકાનો શરૂ કરી હોવાનો કોંગ્રેસનાં નેતાનો ચોંકાવનારો આક્ષેપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજકોટમાં સર્જાયેલા કથિત પોલીસ કમિશનર કાંડને લઈને વધુ કેટલાક સણસણતા અને ચોંકાવનારા આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસનાં નેતાએ મીડિયામાં અને લોકોમાં ચર્ચાતા ભ્રષ્ટાચારનાં અન્ય સંખ્યાબંધ વધુ કિસ્સાનો ઉલ્લેખ કરીને ઊંડી અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. નિર્દોષ લોકોનાં કરોડો રૂપિયાની કિંમતી જમીનો પચાવી પાડવી, નાના- મોટા હવાલા લેવા, તોડકાંડ કરવા, ખંડણી ઉઘરાવવી જોવા કેસોમાં નિષ્પક્ષ એજન્સી તપાસ કરે તો ભ્રષ્ટાચારનો આંકડો રાજકોટમાં રૂ.1 હજાર કરોડનો આંકડો પાર કરી જાય તો નવાઈ નહીં એવો સાફ-સાફ દાવો હાર્દિક પટેલે કર્યો છે. કોંગ્રેસનાં નેતાએ એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે, રાજકોટ પોલીસ કમિશનરનાં ગાંધીનગરમાં રૂ.25-25 કરોડની કિંમતનાં બે બંગલાની મીડિયામાં ચર્ચા ચાલે છે. રાજકોટનાં જ એક અખબારમાં આજ અધિકારીનાં કોઈ મહિલા સ્વજન દ્વારા અમદાવાદનાં એક નામાંકિત જવેલર્સ શો-રૂમમાંથી રૂ.3 કરોડની જ્વેલરીની ખરીદીની ચર્ચા થાય છે. આ તમામ પ્રકરણોની, આવા અધિકારીઓ અને એમના સગાઓની મિલકતો, બેંક ખાતા, મોબાઈલ ડીટેઇલ વગેરેની તપાસ થવી જ જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં અને એક લમ્માણ પૂર્વકનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, જેના પર રાજકોટનાં 20 લાખથી વધુ લોકોની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોય એવા પોલીસ કમિશનર પર ભાજપનાં જ સિનિયર ધારાસભ્ય, મંત્રી અને રાજ્યસભાનાં સાંસદ કમિશનનો આક્ષેપ કરતી રજૂઆત ગૃહમંત્રીને કરે એનાથી મોટું ઉદાહરણ કાયદો અને વ્યવસ્થાની કુસ્થિતિ શું હોય શકે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, રાજકોટની પ્રજા પોલીસથી ત્રસ્ત બની છે. એ ગૃહમંત્રીએ ધ્યાનમાં લેવું જોઈએ. રાજકોટનાં કમિશનર જે સરકારની ગુડબુકમાં છે. એ કોઈ સામાન્ય માણસની ફરિયાદ નોંધતા નથી. માત્ર અરજી લેવાઈ છે એ દુ:ખદ છે. એટલે લોકોને પોલીસ પર 1 ટકા ભરોસો રહ્યો નથી.

કોંગ્રેસ નેતાએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, રાજકોટમાં ફરિયાદીને 5-5 દિવસ કલાકો બેસાડી રાખીને પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાતી નથી. ઉલ્ટું એવું દબાણ કરે છે કે સામાપક્ષની ફરિયાદ પણ લેશું. પોલીસનું કામ ફરિયાદ લઇ, તપાસ કરી, ચાર્જશીટ કોર્ટમાં મુકવાનું હોય છે. પણ રાજકોટમાં તો લાગે છે કે રાજકોટ પોલીસ ખૂદ કાયદો, ખૂદ કોર્ટ છે અને પોલીસ સ્ટેશનમાં જ ચુકાદાઓ પણ આપે છે એવું ચિત્ર ઉપસે છે. તેમણે દાવો કર્યો હતો કે, મીડિયામાંથી જાણવા મળ્યું છે કે, પોલીસ કમિશનરનાં ગાંધીનગરમાં રૂ.25-25 કરોડનાં બે બંગલાઓ છે. કોઈ મોટા ઉદ્યોગપતિનાં પણ નહીં હોય. રાજકોટનાં એક અખબારમાં આવ્યું હતું કે આ અધિકારીનાં સગા એવા કોઈ મહિલાએ અમદાવાદનાં જાણીતા શો-રૂમમાંથી રૂ.3 કરોડની જ્વેલરી ખરીદી હતી. ત્યારે બધાનાં મગજમાં એક જ સવાલ આવે છે કે, શું આટલા નાણાં સરકારનાં પગારમાંથી આવતા હશે કે પછી આવા કમિશન કાંડ કે બળજબરી પૂર્વક કરેલા તોડનાં હશે? હાર્દિક પટેલે વધુ એક સણસણતો આક્ષેપ કર્યો હતો કે, મીડિયાનાં મુખે અને લોકોમાં ચર્ચાઈ છે કે, પાલતું શ્વાનને એસી ગાડીમાં ચક્કરો મરાવવામાં આવે છે એ તો ઠીક આજ સાહેબનાં એક ખાસ પાલતું શ્વાનનાં જન્મદિવસની ઉજવણી અમદાવાદની નામાંકિત હોટેલમાં લાખોનાં ખર્ચે થાય છે. શ્વાનનું જે નામ રાખ્યું છે એ બંધારણની વિરુધ્ધ છે. આવા નામ રાખવા એ ખૂબ જ શરમજનક બાબત છે.

એવી પણ વાત ચર્ચાઈ છે કે સાહેબને ખુશ કરવા માટે ખાસ બ્રાન્ચ એટલે કે કમાઉ ટોળકીએ સાહેબનાં પરિવારજનનાં જન્મદિવસે રૂ.40 લાખની એન્ડેવર ગાડી ગીફ્ટ કરી હતી. ખાસ બ્રાન્ચનાં કર્મચારીઓનાં વૈભવી બંગલાઓ અને ગાડીઓ વિશે રાજકોટની જનતા અને પત્રકાર મિત્રો પણ જાણે છે. સવાલ એ છે કે સરકારી પગારમાં આવા કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા? સરકાર રાજકોટનાં યાજ્ઞિક રોડનાં નામાંકિત જવેલસ અને કપડાનાં શો-રૂમનાં રેકર્ડ તથા સીસીટીવી સહિત આવા તમામ લોકો પર તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની એક-એક હેડઓફીસ કમિશનર કચેરીમાં હોવા છતાં રાજકોટનાં ખૂણે- ખૂણે 4 અલગ ચોકીઓ બનાવીને જાણે દુકાનો ખોલી હોય તેમ આવા વધુ કામ મળે તેવા નુસકા અપનાવી રહ્યા છે. આવી તમામ બ્રાન્ચનાં અધિકારીઓ, કર્મચારીઓ અને વહીવટદારો વિરુધ્ધ સરકાર તપાસ કરશે તો ખ્યાલ આવશે કે શું રંધાઈ રહ્યું છે.? એ બધાને ખબર છે કે અત્યારનાં પરવાના ગેરકાયદેસર રીતે રૂ.7 થી 15લાખમાં મળે છે. આ કમિશનરનાં કાર્યકાળમાં જ હથિયારનાં પરવાના રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં મંજુર થયા છે.

Read About Weather here

અમને કોઈ અધિકારી કે કર્મી પ્રતિ અંગત વાંધો વિરોધ નથી. પણ લોકોનાં કિંમતી નાણાનાં ખર્ચે ટ્રેનીંગ અને પગાર લઈને જે લોકો સતાનો દૂરઉપયોગ કે કુનીતિથી લોકોને લુંટતા હોય તો તેની વિરુધ્ધ બોલવું એ અમારી ફરજ છે અને ભવિષ્યમાં પણ આવું ધ્યાનમાં આવશે તો બોલશું. કોંગ્રેસનાં નેતાએ જણાવ્યું હતું કે, મીડિયામાં અમસ્તા આવા અહેવાલો પ્રગટ થતા ન હોય માત્ર એક તોડકાંડમાં 75 લાખની રકમ પડાવાઈ હોય તેમજ હત્યાનાં ગુનાનાં બહાને સામાન્ય બુટલેગર પાસેથી રૂ.95 લાખનો તોડ થાય ત્યારે ગૃહમંત્રી વિચારી પણ ન શકે એટલી રકમનો ભ્રષ્ટાચાર માત્ર રાજકોટ પોલીસ તંત્ર દ્વારા થયો છે. એ નક્કી છે. તેમણે બદલીઓની પ્રક્રિયા લોકોને મુર્ખ બનાવવા સમાન ગણાવી હતી અને કહ્યું હતું કે, કલંકિત અધિકારીઓની બદલી કરવાને બદલે તપાસમાં તથ્ય હોય તો એમને બરતરફ કરવા જોઈએ. હજુ સુધી તો કમિશનરનો વાળ પણ વાંકો થયો નથી. સરકારનાં કોઈ મંત્રી કે ટોચનાં અધિકારીનું નિવેદન આવ્યું નથી. હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે, તપાસનાં નાટકો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરવું જોઈએ. બલ્કે આવા અધિકારીઓને બરતરફ કરવા સહિતનાં પગલા લેવા જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here