રાજકોટ પોલીસની સતત બગડતી જતી છાપ સુધારવા ડીજી એ દંડો ઉગામવો જરૂરી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શહેરભરમાં એકજ ચર્ચા
ખોટું થાય તો હિંમત પૂર્વક સામે આવવાની લોકોને હામ જાગે એવા પગલા રાજ્યનાં પોલીસવડાએ લેવા જરૂરી; રાજ્યનાં પોલીસવડાએ લોકોને આગળ આવવા હિંમત પૂરી પાડવી જરૂરી, અન્યાય થયો હોય તો આગળ આવી ફરિયાદ નોંધાવનારનું નામ જાહેર નહીં કરાય એવી કોઈ ચોક્કસ વ્યવસ્થા પોલીસવડા કરે તો અનેક ચમરબંધીઓ કાયદાની આંટીમાં આવી શકે
જાણકારો કહે છે કે, માત્ર અરજી જ લેવામાં આવતી હોય અને તપાસ કરવામાં જ આવતી ન હોય તો ક્રાઈમ રેટ કાગળ પર ઓછો જ દેખાઈ ને?!!
રાજ્યનાં પોલીસવડાએ શહેર પોલીસનું વર્તન અને કામગીરી સુધારવા હવે મામલો સીધો હાથમાં લેવો પડશે, અરજદારોનાં નામ ગુપ્ત રાખવાથી જ એમને ન્યાય મળશે

કાયદા નિષ્ણાંતોને તટસ્થ નિરક્ષકો સ્પષ્ટપણે એવું માનવા લાગ્યા છે કે, રાજકોટ શહેરમાં પોલીસનાં ચોપડે ક્રાઈમ રેટનાં આંકડા ઓછા હોવા પાછળનાં રહસ્યનો ભાંડો ફૂટી ગયો છે અને પોલીસની બગડતી જતી છાપનાં કોફીનમાં આવા ભ્રમ દર્શાવતા આંકડા આખરી ખીલો સાબિત થઇ રહ્યા છે. એટલે જાણકારો અને શહેરનાં તથા સમાજનાં વિવિધ વર્ગોમાંથી એકસુરે એવી માંગણી ઉઠી રહી છે કે, રાજકોટ શહેર પોલીસની વધુને વધુ કપાતી જતી નાકની પ્લાસ્ટિક સર્જરી કરવા માટે હવે રાજ્યનાં પોલીસવડાએ ખૂદ મામલો હાથમાં લેવો પડશે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર પોલીસની આબરૂનું સતત ધોવાણ થતું રહ્યું છે. ખૂદ કમિશનર કક્ષાનાં આઈપીએસ અધિકારી સામે અને હાથ નીચેના અન્ય પોલીસ કર્મીઓ સામે ગંભીર પ્રકારનાં આક્ષેપો થઇ રહ્યા છે. પોલીસને પોલીસની સામે તપાસ કરવી પડે એવો વખત આવી ગયો છે. ત્યારે કોસ્મેટીક સર્જરી નહીં પણ જબરી વાઢકાપ કરવાની જરૂરિયાત ઉભી થઇ ગઈ છે.

રાજકોટ હોય કે અન્ય કોઈપણ શહેર નાગરિકોની આંતરિક સુરક્ષા માટે પોલીસતંત્રની કામગીરી અત્યંત મહત્વની હોય છે. જે રીતે દેશની સરહદો પર પહેરો ભરતા જવાનોની કામગીરી આપણને સુરક્ષિત રાખે છે એ જ પ્રકારે આપણી આંતરિક સુરક્ષા અને અપરાધીઓથી બચવા માટે પોલીસદળની કામગીરી નાગરિક સુરક્ષા માટે અતિ જરૂરી અને આવશ્યક હોય છે. ત્યારે જો કાયદો અને વ્યવસ્થાનાં પાલક એવા દળમાં કોઈપણ પ્રકારની નાની એવી ખરાબી કે ખામી પણ આંતરિક સુરક્ષાને ખતરામાં મૂકી શકે છે અને અપરાધખોરીને મોકળું મેદાન મળી શકે છે.

એટલે સુરક્ષા વિશેયક કામગીરી માટે અત્યંત મહત્વનું અંગ ગણાતા પોલીસતંત્રમાં કોઈપણ પ્રકારની ફરજચૂક, ગોટાળા- ગડબડ કે ગેરરીતિઓ જરાય નજર અંદાજ કરી શકાય નહીં.આપણે આ સાદું સત્ય ડીજીપી ને સમજાવવાની કોઈ જરૂર ન હોય. સમગ્ર રાજ્યનાં પોલીસતંત્રની ધુરા સંભાળી રહેલા ઉચ્ચ કક્ષાનાં આઈપીએસ અધિકારીને ઉપર દર્શાવ્યા એ મુજબનાં ભય સ્થાનોની સમજ હોય જ એટલે અહીં ઉચ્ચ કક્ષાનાં અધિકારી પાસે આમ જનતાને પણ ઘણીબધી અપેક્ષાઓ અને આશા હોય એ સ્વાભાવિક છે. સવાલ છે એમની ઈચ્છાશક્તિનો…

રાજ્યનાં પોલીસવડા પોતાના હસ્તકનાં વિશાળ પોલીસ કાફલાનાં એક યુનિટમાં સર્જાયેલી ગડબડને ઠીક કરવાના પ્રયાસો ન કરે તો જ નવાઈ લાગશે. હવે નૈતિકબળનાં જે બહાના સામાન્ય રીતે કરવામાં આવે છે. એવા બહાનાનો આશરો લેવાનો સમય ચાલ્યો ગયો છે હવે સમય એક્શન લેવાનો પાકી ગયો છે. રાજકોટનાં ક્રાઈમ રેટમાં એકાએક ઘટાડો થવા પાછળનું કારણ કાયદા નિષ્ણાંતોને સમજાતું ન હતું. પણ કમિશનર હપ્તાખોરી કાંડને પગલે ધીમે-ધીમે ચિત્ર સ્પષ્ટ થતું જાય છે અને શહેર પોલીસની આંકડાકીય લીલા લોકોની સમજમાં આવતી જાય છે. સામાન્ય જનને પણ આંકડાની ભ્રમજાળની ખબર પડી ગઈ છે. તેના પરીપ્રેક્ષ્યમાં રાજ્યનાં પોલીસવડાની કામગીરી વધી જાય છે. રાજ્યનાં પોલીસવડાએ આ સમસ્યાને શિગડેથી પકડીને જાતે દંડો ઉગામવો પડશે.

રાજ્યનાં પોલીસવડાએ ચોક્કસ હિંમત ભર્યા પગલા લેવા પડશે. રાજ્યનાં પોલીસવડાની જવાબદારી રહે છે કે આમ જનતાને આગળ આવીને ફરિયાદ કરવા માટે હામ અને હિંમત પ્રદાન કરવામાં આવે અને સાથે-સાથે એમના પૂરતા રક્ષણની પણ જોગવાઈ કરવામાં આવે.કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા નિષ્ણાંતોએ એવું સૂચન કર્યું છે કે, કોઈપણ પ્રકારનાં અન્યાય, ધાકધમકી, દમન કે અત્યાચારનો ભોગ બનેલો સામાન્ય નાગરિક પણ હિંચકીચાટ વિના તેની ફરિયાદ લઈને આવે તો જે તે પોલીસ મથકમાં તેની ફરિયાદ લેવાની સાથે અરજી માત્ર ફાઈલ કરવાને બદલે જવાબદાર પોલીસ અધિકારી તાત્કાલિક તપાસ શરૂ કરાવે તેવા કડક આદેશ ડીજીપી એ તમામ પોલીસ મથકો માટે જારી કરવા જોઈએ.

એટલું જ નહીં અરજદારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે એવી સુચના પણ ડીજીપી આપે તો લોકોને આગળ આવવામાં હિંચકીચાટ નહીં રહે અને ખરા અર્થમાં ક્યાં, કેમ, કઈ જગ્યાએ કેવા પ્રકારનાં અપરાધો થઇ રહ્યા છે તેનું સાચું ચિત્ર બહાર આવવા પામશે. ડીજીપી એ સમજવું જોઈએ કે રાજકોટમાં લોકો ફરિયાદ કરવા આવે ત્યારે પોલીસ માત્ર અરજીઓ લેતી રહી છે. આગળ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી એફઆઈઆર નોંધાતી નથી એટલે ચોપડા પર ગુનો નોંધાતો નથી. રાજકોટ પોલીસનાં ચોપડા પર ક્રાઈમ રેટ ઝીરો દેખાય છે. તેનું સાચું કારણ આ છે. એ હકીકત ડીજીપી જેવા તાલીમબધ્ધ, કાબેલ અને સક્ષમ અધિકારીને સમજાવવાની જરૂર ન હોય.

રાજકોટ પોલીસમાં માત્ર અરજીઓ લેવામાં આવે છે અને ગુના દાખલ કરવામાં આવતા નથી. એવી ફરિયાદો સામા ખૂણે થતી રહી છે. પણ પોલીસની બીકને કારણે કે અન્ય કોઈપણ અકળ કારણોસર લોકો આગળ આવવાની હિંમત કરતા નથી. આવા સમયે જો સુધારણાનાં કડક, નક્કર, પ્રામાણિક અને તટસ્થ પગલા લેવામાં નહીં આવે તો અંદરખાને ગુનાખોરીથી ખદબદતા રાજકોટ શહેરમાં બેફામ બનતા જતા ગુનાખોરો પર લગામ મૂકી શકાશે નહીં. ગુનેગારોનો રાફડો ફાટતો જશે અને પોલીસનો રજીસ્ટર ઝીરો ઉપર ઝીરો માંડતું રહેશે. આવી સ્થિતિ કદાપી ચલાવી લઇ શકાય નહીં. ભૂલ માફ કરી શકાય પણ ફરજમાં બેદરકારીને કોઈ કાળે માફ કરી શકાય નહીં. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટની પરિસ્થિતિનો ને ખાસ કરીને ગુનાખોરી અંગે રાજ્યનાં પોલીસવડા પોતાના વિશ્વાસુ સુત્રો મારફત અંગત રીતે સર્વે કરાવે તો ખરેખર રાજકોટનાં ખૂણે-ખૂણે ધમધમતા ગુનાખોરીનાં અડ્ડાની ચોંકાવનારી હકીકતોનો પર્દાફાશ થઇ શકે છે. રાજકોટમાં બીના બે રોકટોક દેશી-વિદેશી દારૂનાં ભઠ્ઠા અને વેચાણનાં કેન્દ્રો ધમધમે છે. શેરી-ગલ્લીએ ગાંઠીયાદાદાઓની ફોજ ઉભી થઇ ગઈ છે. પોલીસની નાક નીચે બેફામ સટ્ટાખોરી ચાલતી રહે છે અને બેફામ બનેલા બુકીઓ કોઈને ગાંઠતા નથી. કેમકે પોલીસતંત્રમાં એમના પર ચારે હાથ રાખનારા તત્વો સાથે એમનાં હંમેશા મીઠા સંબંધો રહ્યા છે.

Read About Weather here

શહેરનાં અમૂક વિસ્તારો તો એટલા કુખ્યાત બન્યા છે કે, જ્યાં દારૂ, ગાંજો, ચરસ અને હાઈલેવલ ડ્રગ્સ પણ આસાનીથી મળતા હોય છે. સામાન્ય માનવીને ઈમાનદારીથી ધંધો કરતા વેપારી વર્ગ અને નાના-મોટા ધંધાર્થીઓને છાશવારે બીવડાવતી રહેતી અને હેરાન-પરેશાન કરતી પોલીસને આવા અપરાધીઓ નજરે ચડતા નથી? એ રાજકોટની જનતા માટે એક કાયમી રહસ્યમય કોયડો છે. જો ડીજીપી લાલઆંખ કરે તો લોકોને આશા છે આ કોયડાનો ઉકેલ મળી જશે અને પોલીસતંત્રની કામગીરીમાં પણ ધરમૂળથી સુધારા લાવી શકાશે. સવાલ પોલીસતંત્રને રાજકીય ચંચુપાતથી દૂર કઈ રીતે રાખી શકાય એ ખૂબ મહત્વનો છે. ભૂતકાળ આપણને એક ચોક્કસ દિશાતરફ અંગુલી નિર્દેશ કરે છે. ભૂતકાળમાં આવું બન્યું જ છે. તત્કાલીન ટોચનાં નેતાઓને કારણે અને પદાધિકારીઓને કારણે પોલીસનાં ચોક્કસ તત્વોને કાયદો હાથમાં લેવાની શેહ મળતી રહી છે અને એ રાજકીય આશિર્વાદની લીલાને કારણે જ રાજકોટની પોલીસ આજે ચારેતરફથી ટીકા પ્રહારોનો નિશાન બની રહી છે. રાજકોટ પોલીસની ધૂળધાણી થઇ ગયેલી પ્રતિષ્ઠાને ચમકાવવા માટે ડીજીપી હવે શિસ્ત પાલનનો સફેદો લગાવશે કે કેમ એ જોવાનું રહે છે. તેવી ચર્ચાઓ લોકોમાં થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here