નરેશ પટેલ શું રાજકારણમાં નહીં જોડાય?

નરેશ પટેલ શું રાજકારણમાં નહીં જોડાય?
નરેશ પટેલ શું રાજકારણમાં નહીં જોડાય?

તમામ સમાજમાં લોકપ્રિયતા અને માન-સન્માનને આંચ ન આવે એ દિશામાં સઘન મહામંથન
તમામ સમાજનાં કામો માટે અગ્રેસર રહી પ્રશ્ર્નો હલ કરવાની કોશિશને કારણે પાટીદાર નેતા માત્ર સૌરાષ્ટ્ર નહીં સમગ્ર રાજ્ય અને વિદેશવાસી ગુજરાતીઓમાં પણ લોકચાહના ધરાવતા હોદ્દા વગરનાં નેતા: રાજકારણમાં જોડાવાથી વ્યક્તિગત પ્રતિષ્ઠાને ડાઘ લાગવાનું જોખમ અનેક ગણુ વધી જાય છે, રાજનીતિમાં આવતા પહેલા અનેક માપદંડો અને પરિબળોનો અભ્યાસ જરૂરી
ખૂદ પાટીદાર સમાજનો એક વર્ગ મક્કમપણે એવું ઈચ્છી રહ્યો છે કે નરેશ પટેલે રાજકારણમાં જોડાવું જોઈએ નહીં : પાટીદાર નેતાનાં મનમાં ચાલી રહ્યું છે મહામંથન : ખૂદ પાટીદાર નેતા અગાઉ પણ કહીં ચૂક્યા છે કે સમાજ કહે તેમ કરીશ, જો સમાજનો મોટો વર્ગ યા નાનો વર્ગ પણ રાજકારણ પ્રવેશ સામે મંતવ્ય આપતો હોય તો પાટીદાર નરેશ એવા નેતા સમાજનું વધુ સાંભળે એવી શક્યતા
નરેશ પટેલનો શાંત, મિલનસાર, માયાળુ અને સરળ સ્વભાવ એમને અન્યોથી બે ડગલા આગળ રાખવામાં મદદરૂપ, ચોખ્ખી પ્રતિભા ખરડાય એ એમને પાલવે નહીં

સૌરાષ્ટ્રનાં પાટીદાર સમાજનાં આજદિન સુધીનાં સૌથી વધુ લોકપ્રિય નેતા ગણાતા અને સમાજમાં જેમને મુઠ્ઠી ઉચેરા માનવીનાં રૂપમાં સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. એવા લેઉવા પટેલ સમાજનાં અગ્રણી નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશ અંગે ચાલી રહેલી અનુમાનો, અટકળો અને અભિપ્રાયોની પ્રક્રિયા એકધારી ચાલુ રહી છે. હજુ સુધી એ દિશામાં ચિત્ર સ્પષ્ટ થયું નથી. કેમકે રાજકારણમાં પ્રવેશ અંગે નરેશ પટેલે નક્કર સંકેતો આપ્યા છે. પણ એ માટેનું કોઈ નિશ્ર્ચિત મુહુર્ત જાહેર કર્યું ન હોવાથી સસ્પેન્સનું વાતાવરણ યથાવત રહ્યું છે. સુમાહિતગાર સાધનો એવો સંકેત આપી રહ્યા છે કે, નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય હાલ તુરંત આઘો ઠેલાઈ શકે છે. કેમકે પાટીદાર નરેશ એવા આ નેતા રાજકારણમાં જોડાતા પહેલા તેના લાભાલાભ વિશે વિચારવા કરતા વ્યક્તિગત પ્રતિષ્ઠાને લગતા માપદંડો અને પરિબળો વિશે ગંભીરતાથી ઊંડું મનોમંથન કરી રહ્યા છે. એવા સંકેતો પણ બહાર આવ્યા છે કે, સમાજનો એક વર્ગ નરેશ પટેલને રાજકારણનાં અખાડામાં નહીં ઉતરવાની સલાહ આપી રહ્યો છે. એ સલાહને પાટીદાર આગેવાને ગંભીરતાથી લીધી છે અને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારણા કરવામાં આવી છે. તેઓ અંગત સલાહકારો અને વિશ્ર્વાસુઓની સલાહ લઈને પણ એમના અભિપ્રાયને પોતાની રીતે મુલવી રહ્યા છે. એટલે અત્યારે તો એવું દેખાય છે કે, નરેશ પટેલ નજીકનાં ભવિષ્યમાં કદાચ રાજકારણમાં પ્રવેશ નહીં કરે અને કદાચ કરે તો ક્યારે તેની કોઈ ડેડલાઈન જાહેર થઇ નથી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકારણ એક એવો અખાડો છે જ્યાં કોઈ વ્યક્તિ થોડી કે વધારે રાજકીય અખાડાની માટીથી ખરડાઈ જવાથી મુક્ત રહી શકતી નથી. આ એક એવો પ્રદેશ છે જ્યાં તમે ગમે ત્યારે સાચા કે ખોટા આક્ષેપોનાં સતત છોડતા તીરથી બચવું પડે છે અને ક્યારેક કોઈ તીર ખૂંચી પણ જાય છે. આ એક એવો બિનમૂડી રોકાણકારી વ્યવસાય છે. જેમાં ગમે તે ઘડીએ વ્યક્તિગત પ્રતિષ્ઠા અને સામાજીક માન-સન્માન જોખમમાં મુકાઇ શકે છે. રહી વાત નરેશ પટેલનાં વ્યક્તિત્વની તો એ ચોક્કસ રીતે અને સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે કે નરેશ પટેલ માત્ર એમના સમાજ નહીં પણ દરેક જ્ઞાતિ અને સમાજમાં એક સરખું માન-સન્માન ધરાવે છે. વ્યક્તિગત રીતે પાટીદાર ઉપરાંત દરેક વર્ગ અને સમાજનાં લોકો એમની નીતિમતા અને સમાજ સેવાની પરગજુ વૃતિનાં ચાહક છે. એમને એટલે જ ખૂબ સન્માનની નજરે નિહાળે છે.

નરેશ પટેલનો ખૂદનો સ્વભાવ ખૂબ મિલનસાર, શાંત, સરળ અને માયાળુ છે. વડીલોની દેશી ભાષામાં કહીએ તો નરેશ પટેલ આજના યુગમાં ભાગ્યે જ જોવા મળે એવા ‘પારકી છઠ્ઠીનાં જાગતલ’ જેવા ઉદાર માનવી છે. જે તમામ સમાજનાં લોકોને સાથે રાખી કોઈપણ સામાજીક પ્રશ્ર્ન ઉભો થાય તો હલ કરવા માટે પોતાનાથી બનતા શક્ય તમામ પ્રયાસો કરે છે. આ બધા ગુણો એવા છે જે એમના રાજકારણનાં પ્રવેશ માટે બિલકુલ બંધ બેસતા છે. કેમકે રાજકારણમાં આવી વ્યક્તિ શોધવી હોય તો એક નહીં હજારો દિવાનું પ્રાગટ્ય કરવું પડે. ત્યારે કોક એકાદી આવી વ્યક્તિ મળે. એટલે નિર્વિવાદ પણે એ કહી શકાય કે નરેશ પટેલનું વ્યક્તિત્વ રાજકારણ માટે ફીટ પણ છે અને બીજા માપદંડથી જોઈએ તો બિલકુલ ફીટ નથી.

આ વાક્ય ભલે વિરોધાભાસી અભિપ્રાય સમાન ગણાય પણ નરેશ પટેલનાં મનમાં રાજનીતિ પ્રવેશ અંગે અવઢવનો જે ઓથાર સર્જાયો છે તેની પાછળનો મુદ્દો વ્યક્તિગત પ્રતિષ્ઠા અંગેનો જ છે. સરળ અને નીતિમય જીવન સાથે સમાજ સેવા કરવા માટે સતત આગળ વધતા રહેલા ખોડલધામનાં પ્રણેતાને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠાને એક દાણા બરાબર કાળો ડાઘ લાગે એ જરાય પરવડે નહીં. વ્યક્તિગત આભા ઉભી કરવામાં એક આખું જીવન ખર્ચાઈ જતું હોય છે. પણ પ્રતિષ્ઠાને હાની થવામાં એક ક્ષણની પણ વાર લગતી નથી. બસ આ એક જ મુદ્દો નરેશ પટેલનાં મનમાં વિચારોની આંધી સર્જી રહ્યો છે. રાજકારણ એટલે કોલસાની ખાણ ગણાય. ગમે તેટલા બચીએ પણ કાળો ડાઘ વસ્ત્રોને લાગી જાય તો ખબર પડતી નથી અને પ્રતિષ્ઠા ક્યારે અકારણ ખરડાઈ જાય તેનો ખ્યાલ પણ આવતો નથી અને ખ્યાલ આવે તો ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હોય છે. આ વિચાર નરેશ પટેલનાં મનમાં એક દ્વંદ સર્જી રહ્યો છે. એટલે જ જાણકારોનું માનીએ તો નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ માટે હજુ મન બનાવી શક્યા નથી અને પત્રકારો સમક્ષ એમના જવાબો એ કારણે જ ‘નરો વા કુંજરો વા’ જેવા રહ્યા છે. જેના પર મીડિયામાં જાતજાતનું વિશ્ર્લેષણ થતું રહ્યું છે.

Read About Weather here

પાટીદાર સમાજ સાથે આ મુદ્દા પર નરેશ પટેલને ઘણી ચર્ચાઓ અને ડીબેટ થયા જ હશે. આધારભૂત સુત્રો કહે છે કે, પાટીદાર સમાજનો એક વર્ગ તો સ્પષ્ટપણે એવું ઈચ્છી રહ્યો છે કે, નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો ન જોઈએ. નરેશ પટેલ વારંવાર કહીં ચૂક્યા છે કે, હું સમાજ કહે એ મુજબ કરીશ. એટલે લાગે છે કે, સમાજનાં નાના કે મોટા કોઈપણ વર્ગનો નક્કર અભિપ્રાય નરેશ પટેલ સ્વીકારી એ દિશામાં આગળ વધે એવી શક્યતા નજરે ચડી રહી છે. નરેશ પટેલ કોઈપણ પક્ષ સાથે પોતાની જાતને હજુ સુધી જોડવાથી દૂર રહ્યા છે અને કદાચ એ કારણે જ એમનું માનસ-સન્માન અકબંધ પણ રહ્યા છે. એ દ્રષ્ટિએ જોતા રાજકારણનાં મોહને વશ થવાને બદલે વ્યક્તિગત પ્રતિષ્ઠાની ઈમારતને અખંડ રાખવા તરફ એમનો માનસિક ઝોક વધુ રહે એવું માનવામાં રહે છે. આ જોતા રાજકારણનાં પ્રવેશદ્વાર ખોલવામાં નરેશ પટેલ હજુ વાર લગાડે એવું નિશ્ર્ચિત મંતવ્ય રાજકીય નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here