અમદાવાદી યુવાનોએ એક જ ઝાટકે કોરોનાનો ખાત્મો કરતું લિક્વિડ બનાવ્યું

કોરોના મહામારી વચ્ચે અમદાવાદના યુવાન ઇનોવેટર્સે કોવિડ-૧૯ વાઇરસ અને કીટાણુઓની સામે લડવા માટે એક વિશિષ્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન વિકસાવ્યું છે. શહેરના બે યુવાન ઇનોવેટર્સ પરમ ગુટકા અને યશ શાહ દ્વારા રજૂ કરાયેલું નવીન અને ટેક્નોલોજીકલ સોલ્યુશન કોવિડ-૧૯ સામેની લડાઇને વધુ મજબૂત કરશે. આ વિકસાવાયેલી ટેક્નોલોજીથી કોઇપણ સપાટી ઉપર ૯૯.૯ ટકા કીટાણુઓનો નાશ કરી શકે છે. તેના ઉપયોગથી ઘર, હોસ્પિટલ, ઓફિસ, કાર, બેક્ધ, થિયેટર્સ, જાહેર પરિવહન, એલિવેટર્સ, દુકાનો, હેવી ટ્રાન્સપોર્ટ વગેરે જગ્યાએ વાઇરસના પુન:ફેલાવાને અટકાવવામાં મદદ મળી રહે છે.

હાલમાં ગુજરાતમાં દૈનિક કોવિડ-૧૯ કેસોમાં વધઘટ જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં આપણે ૧,૭૦,૦૦૦ કોવિડ-૧૯ કેસોની સંખ્યાને પાર કરી છે અને રાજ્યમાં ૩,૭૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં કોવિડ-૧૯ હોટસ્પોટ્સમાં પણ વધારો થયો છે, જેનું મુખ્ય કારણ નાગરિકો દ્વારા સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું સખ્તાઇથી પાલન ન કરવું અને મોઢાની જગ્યાએ ગળા ઉપર માસ્ક રાખવું છે.

આ સ્થિતિમાં કામચલાઉ ધોરણે વાઇરસની સામે લડવા માટે દેશને એક અસરકારક સોલ્યુશનની આવશ્યકતા છે. આ સ્ટાર્ટઅપ ત્રણ મહિના સુધી વાઇરસ ટકે નહીં તેની ખાતરી સાથે એન્ટી-માઇક્રોબાયલ ટ્રીટમેન્ટ પ્રદાન કરે છે તેમજ વાઇરસને પુન:અસ્તિત્વમાં આવતા રોકે છે. તેનાથી વિવિધ જાહેર સ્થળો અને ઘરની અંદર સુરક્ષિત અને સલામત માહોલનું નિર્માણ કરી શકાય છે.