ગુજરાતનાં રાજકારણમાં ભુલાઈ ગયેલા તુષ્ટિકરણ શબ્દનું પુનરાગમન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કોઈ એક સમાજ પર રાજ્યનાં બે મુખ્ય પક્ષો દ્વારા થઇ રહેલા કામણટુમણને પગલે આમ જનતા અવાચક: સર્વોનો સાથ સર્વોનો વિકાસ સૂત્ર શું હવામાં ઓગળી ગયું?: તમામ સમાજને સાથે રાખવાના કોંગ્રેસનાં વાયદાનું શું થયું?: અમે મતબેંકમાં માનતા ન હોવાના છાશવારે થતા દાવાઓની આંધી વચ્ચે કોઈ એક સમાજની મતબેંક પર જ ત્રાટક શું કામ?: જો આ પ્રકારનું રાજકારણ વેગવાન બને તો અન્ય સમાજોની પ્રતિક્રિયા કેવી રહેશે?: રાજ્યનાં રાજકારણમાં અવનવા વળાંકોને પગલે રાજકીય પંડિતોમાં પુછાતા અનેચર્ચાતા અનેક સવાલો

ગુજરાતનાં રાજકારણમાં દાયકાઓ જુનું કોંગ્રેસનું વર્ચસ્વ નામશેષ થઇ ગયા બાદ અને શક્તિશાળી સતાધારી પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનો સૂર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યા બાદ રાજકારણમાં એક નવો શબ્દ પ્રયોજાવા લાગ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેના કારણે બહુ વપરાયેલા સિક્કા જેવો તુષ્ટિકરણ શબ્દ રાજકીય મેદાનમાંથી અલોપ થઇ ગયો હતો. સર્વોનો સાથ, સર્વો સમાજનો વિકાસ અને એકેએક નાગરિકને વિકાસનાં મીઠા ફળની પહોંચાડવાના નવા રાજકારણનાં નવા સુત્રો ગુજરાતનાં ખૂણે-ખૂણે ગાજવા લાગ્યા હતા.

પરિણામે વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓ અને પાછલા દાયકામાં થયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં મતબેંક નામનો શબ્દ ભૂંસાઈ ગયો હતો. ચોક્કસ સમાજ સિવાયનાં અન્ય સમાજો પણ રાજકારણમાં મધ્યવર્ગીય સ્થાન પર આવવા લાગ્યા હતા અને રાજકીય રીતે શક્તિશાળી નવા વર્ગ તરીકે ઉભરી આવ્યા હતા.

ટૂંકમાં ભાજપને છેલ્લા ત્રણ દાયકામાં જે પ્રચંડ ચૂંટણી લક્ષી સફળતા મળી તેની પાછળ તેનો તુષ્ટિકરણ વિરોધી પ્રચંડ પ્રચાર પણ કારણભૂત માનવામાં આવે છે. અન્ય ઘણા પરિબળો પર ભાજપની સફળતામાં કામ કરી ગયા છે.

પણ ભાજપને સૌથી મોટી સફળતા કહેવાતા તુષ્ટિકરણનો વિરોધ કરવાથી જ મળી છે. તેનો ભાજપ કે કોંગ્રેસ કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી. જો કે રાજકારણ એક અજીબોગરીબ પ્રકારનો વ્યવસાય છે. એ હકીકત ફરીથી ઉભરીને સામે આવી રહી છે.

રાજકારણમાં જેમ કોઈ કાયમી દુશ્મન કે કાયમી દોસ્ત જેવું હોતું નથી.એવી રીતે આ ક્ષેત્રમાં સિધ્ધાંતો પણ ખૂબ જ ફ્લેક્સીબલ હોય છે. જે તાજેતરની ઘટનાઓ પરથી દ્રશ્યમાન થઇ રહ્યું છે.

એક નવા રૂપમાં તુષ્ટિકરણ શબ્દ ગુજરાતનાં રાજકારણમાં કેન્દ્ર સ્થાને આવી રહ્યું હોય એવું લાગે છે. એવું શું કામ? એની ચર્ચા પણ એક મજેદાર ટોપિક બની શકે તેમ છે.આવું શું કામ થઇ રહ્યું છે? શા માટે થઇ રહ્યું છે? એવી તો કઈ મજબૂરી છે

કે જેના પગલે એક શક્તિશાળી પક્ષને અને એક દેશના સૌથી જુના પક્ષને તુષ્ટિકરણ મંત્રની માળા ફેરવવી પડી રહી છે? આ સવાલોનાં જવાબ શોધવા માટે કોઈને રાજકીય કે રાજનીતિ શાસ્ત્રનાં પીએચડી થવાની જરૂર નથી.

કોઈપણ સામાન્ય માનવી પણ રાજકીય પક્ષોની દોડધામ પાછળનું અને તુષ્ટિકરણનાં પુન: ઉપયોગનું કારણ સમજી શકે છે. આવો તેના પર થોડો પ્રકાશ પાડીએ અને સમજવાની કોશિશ કરીએ કે આ સવાલ ફરી કેમ ઉભો થયો છે?

છેલ્લા કેટલાક દિવસોની રાજકીય ગતિવિધિઓ પર નજર કરીએ તો આપોઆપ એસમજાય જાય છે કે, છેલ્લા લગભગ અઢી દાયકાથી રાજ્યનો એક શક્તિશાળી, વગદાર અને આર્થિક રીતે સમૃધ્ધ એક વર્ગ રાજકીય અછૂત બની ગયાની પીડા અનુભવી રહ્યો હતો.

એના નેતાઓ એમ માનવા લાગ્યા હતા કે, આપણે રાજકારણનાં મધ્યવર્તી સ્થાનેથી ધકેલાઈને હાંસિયામાં પુરાઈ ગયા છીએ. એટલે આપણો અવાજ પણ રાજકારણનાં મેદાનમાં મોભાદાર અને વજનદાર રહ્યો નથી. જો કે આ વિષ્લેષણ એ નેતાઓનું પોતાનું છે.

આ પ્રકારનાં વિષ્લેષણમાં એ નેતાઓ કેટલા સાચા કે ખોટા છે. એ વિશે અત્યારે ચર્ચા કરવી અસ્થાને છે. એ વર્ગની પીડા આપણે સમજી શકીએ છીએ. દાયકાઓ સુધી જેનો વટ રહ્યો હોય

અને પડ્યો બોલ ઝીલાયો હોય એ વર્ગની હાલત સંપૂર્ણપણે અવગણના પામેલા વર્ગ તરીકે થઇ જાય અને તેની વોટબેંકની પરવાહ કરવાનું પણ બંધ થઇ જાય એ પીડા આ વર્ગથી જરાય સહન થતી ન હતી.

એટલે એ વર્ગનાં ઠેકેદાર નેતાઓ કે સમાજ સેવકોને આ વર્ગને રાજકારણમાં ફરીથી વર્ચસ્વધારી બનાવવા માટે ધમપછાડા કરવા પડે એ સમજી શકાય તેવી ભીના છે અને એ સ્વાભાવિક પણ ગણાય.

કોઈપણ સમાજ કે કોઈપણ વર્ગ તેને ગમે તેટલું મળી જાય પણ કદી સંતોષનો ઓડકાર ન આવે જે રાજકારણની બલિહારી છે. એ વર્ગની મનોદશાને સમજી શકાય છે. પણ જે વાત બિલકુલ સમજમાં આવતી નથી. એ રાજકીય પક્ષોએ શરૂ કરેલા તુષ્ટિકરણ ઉધામા અંગેની છે.

ગુજરાતનાં રાજકારણમાં સૌથી મોટો અને જુનો પક્ષ રાજકીય રીતે સંપૂર્ણપણે પરાભવ પામી ચુક્યો છે. એટલે એ પક્ષ માટે સંપૂર્ણ ડૂબી જવાથી બચવા માટે કોઈને કોઈ તરણું ઝાલવું પડે એ તેની રાજકીય મજબૂરી અને લાચારી નિરીક્ષકોને ગળે ઉતરે છે.

પરંતુ બીજા પક્ષ માટે તો એવું કહી શકાય તેમ નથી, કારણ કે એ પક્ષ તો સતાનાં મીઠા ફળ લાંબા સમયથી ચાખી જ રહ્યો છે. ગુજરાતનાં લગભગ તમામ સમાજો અને વર્ગોનો તેમને મજબુત ટેકો મળી જ રહ્યો છે. ત્યારે પોતાના સિધ્ધાંતોથી વિપરીત જઈને શું કામ ચોક્કસ વર્ગ અને વ્યક્તિઓનાં થાબડભાણા કરવા પડી રહ્યા છે.

એ મુદ્દા પર રાજકીય ખેલંદાઓ પણ અસમંજસની સ્થિતિ અનુભવી રહ્યા છે. આખરે એવી તે કેવી મજબૂરી છે જેના પગલે તાકાતવાળા પક્ષો તુષ્ટિકરણ પર ઉતરી આવ્યા છે. એ પક્ષો પાસે અન્ય સમાજો પણ ચૂંટણી સમયે આ સવાલ કરી શકે છે.

ત્યારે બંને પક્ષોએ તાર્કિક જવાબ સાથે તૈયાર રહેવું પડશે. નહી તો બાજી બગડી જતા વાર નહીં લાગે. કોંગ્રેસે સમાજનાં બે મોટા વર્ગોનાં નેતાઓને બે મહત્વનાં હોદ્દા સોંપી દીધા છે. એટલે ત્રિકોણનું ત્રીજું ખાનું ભરવા માટે કોંગ્રેસની નજર ચોક્કસ વર્ગ પર જઈને પડી છે.

એ તેની રાજકીય ગણતરી છે. બીજા પક્ષ માટે ચૂંટણી લક્ષી આવી કોઈ મજબૂરી અત્યાર સુધી જોવા મળતી ન હતી પણ અચાનક એ પક્ષ દ્વારા પણ જે રીતે ચોક્કસ દિશામાં ભાગદોડ થઇ રહી છે.

Read About Weather here

એ જોઈને રાજકીય નિરીક્ષકો પણ આશ્ચર્ય મિશ્રિત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોઈએ આગામી દિવસોમાં હજુ રાજકારણ કેવી-કેવી કરવટો બદલે છે. એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here