છેલ્લા 15 વર્ષમાં નથી થયા એટલા કેસ રાજકોટ પોલીસે માત્ર ત્રણ વર્ષમાં કર્યા

છેલ્લા 15 વર્ષમાં નથી થયા એટલા કેસ રાજકોટ પોલીસે માત્ર ત્રણ વર્ષમાં કર્યા
છેલ્લા 15 વર્ષમાં નથી થયા એટલા કેસ રાજકોટ પોલીસે માત્ર ત્રણ વર્ષમાં કર્યા

પોલીસની કામગીરીની નોંધ લેવી પડે એવો દેખાવ, રાજયમાં સરેરાશ સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી બતાવતું રાજકોટ પોલીસ દળ: દરેક પ્રકારના ગુન્હાની તપાસ, ડિટેક્ષન અને તપાસની ઝડપી કામગીરીમાં પોલીસ અવલ્લ નંબરે: માત્ર જો અને તોના ગણિતથી પોલીસની ટીકા કરવી અસ્થાને બલકે પોલીસને વધુ પ્રોત્સાહન આપવું જરૂરી: પોલીસનું મનોબળ તુટી જાય એવી માત્ર કરવા ખાતર થતી ટીકાથી ગુન્હાખોરીને રોક લાગશે નહીં પોઝિટિવ રહેવું જરૂરી
ડ્રગ્સના કેસમાં જયાં સુધી મુદ્ામાલ ન મળે ત્યાં સુધી પોલીસે માત્ર જાણવા જોગ એન્ટ્રીથી તપાસ કરવી પડે છે: જો ચુક થાય તો પોલીસ સામે પણ કાર્યવાહીની કાયદા માટે જોગવાઇ: મુદ્ામાલ મળે તો પહેલા એફએસએલ રિપોર્ટ કરાવાનું પણ ફરજીયાત રહે છે
માદક દ્રવ્યોના કાયદાની જોગવાઇઓ જોતા એવા કેસોમાં પોલીસની ટીકા કરવી બીલકુલ વ્યાજબી નથી: કડક અને સખ્ત સજાની જોગવાઇ હોવાથી પોલીસને છાશ પણ ફુંકી ફુંકીને પીવી પડતી હોય છે

અત્યારના આધુનિક ટેકનોલોજીના યુગમાં અને સોશિયલ મીડિયાના જમાનામાં આજે દરેક મુદ્ા પર અભ્યાસ હોય કે ન હોય અને સમજણ હોય કે ન હોય આડેધડ અભિપ્રાય વ્યકત કરવાની અને શાબ્દીક ટીકા ટીપ્પણીઓ કરવાની એક ફેસન ચાલી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોઇપણ વિષય પર અભિપ્રાય આપનારો એક વર્ગ તૈયાર જ બેઠો હોય છે. કોઇ રાજકીય ઘટના બને, કોઇ સામાજીક બનાવ બને અથવા તો ગુન્હાખોરીની ઘટના બને ત્યારે અભ્યાસ વિહોણો આ વર્ગ મનફાવે તે રીતે સોશિયલ મીડિયા પર આડેધડ અર્થવિહીન પ્રલાપ કરતો નજરે પડે છે.

કહેવત છે ને, નકલમાં અક્કલ હોતી નથી અને અધુરો ઘડો હોય એ છલકાયા કરતો હોય છે. આવી નકારાત્મકતાને કારણે સોશિયલ મીડિયાનો વિધેયક ઉપયોગ થવાને બદલે તેનો નકારાત્મક ઉપયોગ વધુ પ્રમાણમાં થઇ રહયો હોય એવું દેખાય છે.

ખાસ કરીને ક્રાઇમની વાત આવે ત્યારે કાયદાની કોઇ સુઝબુઝ ન ધરાવતા અને અધકચડુ ધ્યાન ધરાવતા મંતવ્ય-શુરા લોકો ધડાધડ સોશિયલ મીડિયા પર ટીકા પ્રહારો ચાલુ કરી દે છે અને મોટા ભાગે પોલીસ પર જ નિશાન સાધવામાં આવતું હોય છે.

આ તમામ પરિસ્થિતિ પર એટલી બધી આગળ વધી ગઇ છે કે, વિના રોકટોક ગુન્હાખોરી અને ક્રિમીનલ જસ્ટીસ જેવા સંવેદનશીલ મામલાઓમાં પણ અર્થજ્ઞાની લોકો સોશિયલ મીડિયા પર અભિપ્રાયોની ફેંકાફેંકી કરવા લાગે છે

અને ખાસ કરીને પોલીસની કામગીરીને ખરાબ ચીતરવામાં એક બીજાની સ્પર્ધા કરતા હોય એ રીતે નકારાત્મક પ્રચારની આંધી જગાવી દેવામાં આવે છે. ઘણી વખત આવા પ્રલાપને કારણે ગંભીર ગુન્હાઓની તપાસમાં પણ વિધ્નો સર્જાતા હોય છે.

સામાન્ય જનતામાં ગેરસમજ પ્રસરતી રહે છે. અપરાધીને પીડિત બનાવી દેવાની શાબ્દીક રમતને કારણે પોલીસને સાચી દિશામાં કામ કરવામાં ધણા બધા વિધ્નો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પર આવું જ હવામાન ફેંલાયેલુ છે.

આવા પ્રતિકુળ સંજોગો, પડકારો, વિધ્નો અને સોશિયલ મીડિયાના અવરોધો છતાં આપણા માટે ગૌરવની વાત એ છે કે, રાજકોટ પોલીસ સર્વોત્તમ કામગીરી કરી રહી છે. જે બહાર આવેલા સત્તાવાર આંકડા સુચવી રહયા છે.

જાણવા મળ્યા મુજબ અને સત્તાવાર રીતે પ્રાપ્ત થતા આંકડા દર્શાવે છે કે, કાયદાકીય ગુંચવણો, જટીલ અને કડક કાયદા અને અનેક વિધ્નો છતાં રાજકોટ પોલીસ ગુન્હાખોરી પર કાબુ રાખવાની દ્રષ્ટિએ રાજયભરમાં સૌથી સર્વોત્તમ કામગીરી કરી રહી હોય એવું દેખાય છે.

રાજકોટ પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગૃ્રપ, ક્રાઇમ બ્રાંચ વગેરેની કામગીરીની રચનાત્મક અને સારી નોંધ લેવી પડે એવું જાહેર થતા આંકડાઓ દર્શાવે છે. રાજકોટ પોલીસે છેલ્લા 15 વર્ષમાં નથી થયા એટલા કેસ માત્ર ત્રણ વર્ષમાં દાખલ કર્યા છે.

આ આંકડો પોલીસની ત્વરીત, કાબેલ અને નિષ્ઠાભરી કામગીરીનું પ્રતિબિંબ છે. ગુન્હા બને ત્યારે તેનું ડિકેટક્ષન કરવું, ઝડપથી અપરાધીને પકડી લેવો અને કેસ બનાવીને ઝડપથી અદાલતમાં રજૂ કરવો એ ત્રણ પાસા પોલીસની કામગીરીની શ્રેષ્ઠતા જાણવાના માપદંડ ગણાય છે.

એ તમામ માપદંડની દ્રષ્ટિએ રાજકોટ પોલીસ કસોટીની એરણમાંથી સફળતા પુર્વક બહાર આવતી હોય એવું તેની તાજેતરના વર્ષોની કામગીરી પરથી દેખાય આવે છે. રાજયભરમાં એવરેજ સૌથી શ્રેષ્ઠ કામગીરી રાજકોટ પોલીસ દળ બતાવી રહયું છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

અટલી સારી કામગીરી છતાં પોલીસની અવારનવાર સોશિયલ મીડિયામાં અને અન્ય રીતે ટીકા પ્રહારોનું નીશાન બનવું પડે છે. હમણાં હમણાં નશીલા પદાર્થોનો મામલો ખુબ જ ગરમાવો પકડી રહયો છે.

નશીલા પદાર્થોની હેરફેર, વેંચાણ અને વ્યસનના મુદ્ા શહેરમાં ખુબ જ ચર્ચાઇ રહયા છે અને ગુંજી રહયા છે. કેફી દ્રવ્યોની ગુન્હાખોરી બાબતમાં પોલીસ દળને ટીકા પ્રહારોનું નિશાન બનાવવામાં આવી રહયું છે.

જો તટસ્થ રીતે મુલ્યાંકન કરવામાં આવે તો પ્રથમ નજરે એવું લાગે છે કે, સમજયા જાણ્યા વિના અને કાયદાની આટીધુટીઓનો અભ્યાસ કર્યા વિના પોલીસ પર સીધેસીધા માછલા ધોવામાં આવે એ વ્યાજબી નથી.

બલ્કે સમગ્ર પોલીસ દળને અને મહેનત કરતા અધિકારીઓ તથા પોલીસ કર્મીઓને અન્યાય કરવા બરાબર છે.માદક દ્રવ્યને લગતો એનડીપીએસ કાયદો શું છે, તેમાં કેટલી સજાની જોગવાઇઓ છે, પોલીસે કઇ રીતે કામગીરી કરવાની હોય છે

એવા કોઇ મુદ્ા પર ટીકાકારોએ અધ્યયન કર્યુ હોતું નથી અને પોલીસ પર તુટી પડતા હોય છે. આપણે સર્વપ્રથમ એનડીપીએસના કાયદા પર નજર કરવી જોઇએ. ત્યારે આપણને આપોઆપ સમજાય જશે કે, નશીલા પદાર્થોના કિસ્સામાં પોલીસ આડેધડ કામગીરી કરી શકતી નથી.

તેનું કારણ એ છે કે, નશીલા પદાર્થોના વેચાણ, હેરફેર અને વ્યસનના ગુન્હા બદલ કાયદામાં ખુબ આકરામાં આકરી અને કડક જોગવાઇ કરવામાં આવી છે. એટલે જ આવા કિસ્સાઓમાં પણ ખુબ જ કાળજી રાખવી પડે છે. સચોટ અને ઉંડી તપાસ કરવાની રહે છે.

કાયદાની જોગવાઇઓ મુજબ પોલીસે આગળ વધવાનું હોય છે. ટુંકમાં કહીએ તો પોલીસે પણ આવા કિસ્સામાં છાંશ ફુંકી ફુંકીને પીવી પડતી હોય છે એવી રીતે તેના હાથ બંધાયેલા હોય છે.

એનડીપીએસ એકટ શું છે? તેનો એક આછેરો ખ્યાલ આપવાની અહીં રજા લઇએ છીએ. નશીલા પદાર્થો અંગેના એનડીપીએસ એકટમાં સ્પષ્ટ જોગવાઇ છે કે, માત્ર મળેલી માહિતીના આધારે એફઆઇઆર દાખલ થઇ શકતી નથી.

પોલીસ માત્ર માહિતીના આધારે ફરીયાદ દાખલ કરી શકતી નથી. બલ્કે સર્વ પ્રથમ પોલીસને મુદ્ામાલ મળવો જરૂરી હોય છે. મુદ્ામાલ મળે એ પણ સૌપ્રથમ ચકાસણી માટે એફએસએલમાં મોકલવાનો હોય છે.

પ્રાપ્ત થયેલો પદાર્થ કે મુદ્ામાલ ખરેખર કેફી દ્રવ્ય છે કે કેમ અને છે તો કયાં પ્રકારનો નશીલો પદાર્થ છે તેનો એફએસએલ રીપોર્ટ કરાવવો પડે છે. આ રીપોર્ટ ન આવે ત્યાં સુધી પોલીસે માત્ર જાણવા જોગ એન્ટ્રી કરીને જ તપાસ આગળ ચલાવવી પડતી હોય છે. એફઆઇઆર નોંધી શકાતી નથી.

એક એવી પણ જોગવાઇ છે કે, જો આવા કિસ્સાની તપાસમાં એટલે કે ડ્રગ્સના કેસમાં કાયદાની જોગવાઇથી જરા જેટલુ પણ આડે માર્ગે ફંટાઇ જવાય અથવા તો જોગવાઇ મુજબ તપાસ કે કાર્યવાહી ન થઇ હોય તો એ કિસ્સાની તપાસ કરતી પોલીસ ટીમ સામે પણ કાનુની કાર્યવાહી થઇ શકે છે.

આ જોગવાઇ હોવાથી પોલીસને પણ ખુબ જ સાવચેતીથી અને કાયદાની જોગવાઇ પર દર્શાવેલ પ્રોસીઝરને ચુસ્ત પણે વળગીને તપાસની કાર્યવાહી કરવી પડે છે. પુરાવા એકત્ર કરવા પડે છે અને ફુલપ્રુફ કેસ બને એ પછી જ કેસ અને અપરાધીને કોર્ટમાં રજૂ કરવાના રહે છે.

જો જરા જેટલી ચુક થાય તો પોલીસ સામે પણ કાનુની કાર્યવાહી કરી શકાય છે એવી એનડીપીએસ કાયદામાં જોગવાઇ છે. કાયદામાં આટલીબધી સાવધાની શું કામ રાખવામાં આવી છે એ પણ આપણે જાણવું જોઇએ. નશીલા પદાર્થોના ગુન્હાની સજા બહુ મોટી છે.

20 વર્ષથી માંડીને આજીવન કેદની સજા થઇ શકે છે. આટલી શખ્ત અને કડક સજાની જોગવાઇ હોવાથી કોઇ નિર્દોશ વ્યક્તિ ભોગ બની ન જાય એ માટે કાયદામાં અને પોલીસની તપાસમાં પણ ખુબ જ સાવધાની રાખવાની જોગવાઇ છે અને આવા કેસની તપાસ માટે એટલે જ પોલીસ માટે પણ કડક દિશા નિર્દેશો કરવામાં આવે છે.

જેથી કરીને કોઇ નિર્દોશ વ્યકિતને સજા થઇ ન જાય અને ખરેખરો અપરાધી કાયદાની ચુંગાલમાંથી છટકી ન જાય. રાજકોટમાં ડ્રગ્સના કારોબારને લઇને છેલ્લા થોડા સમયથી ભારે દેકારો મચી ગયેલો છે. સોશિયલ મીડિયામાં પણ ખુબ ઉહાપોહ કરવામાં આવી રહયો છે.

આવો બધો ઉહાપોહ કાયદાને સમજયા વિના કરવામાં આવે છે એ દુ:ખદ ગણાય. પોલીસ હોય એટલે ટીકા જ કરવી એવી નકારાત્મક માનસિકતા હટીને ડ્રગ્સના કેસોની તપાસનું મુલ્યાંકન થવું જોઇએ. નહીતર ખોટા ટીકા પ્રહારોથી તપાસને અસર થઇ શકે છે

અને ગુન્હેગારને છટકવાનો મોકો મળી શકે છે. માત્ર જો અને તોનાં માપદંડથી પોલીસની કામગીરીનું આકલન કરવું એ વ્યાજબી ગણાય નહીં. રાજકોટ પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં ખુબ જ સારી કામગીરી કરી બતાવી છે.

ડ્રગ્સનો કારોબાર હોય, કે દારૂનો વેપલો હોય અથવા તો મેચની સટ્ટાખોરી હોય એવા તમામ પ્રકારના સામાજીક અપરાધો સામે પોલીસે નોંધપાત્ર કામગીરી બજાવી છે. આ તકે રાજકોટ પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગ્રૃપનો પણ ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે.

ડ્રગ્સનો કારોબાર અને કારોબારીઓને પકડવામાં અને બુટલેગરોને તથા સટ્ટોડીયાઓને દોડતા કરવામાં એસઓજીની કામગીરી પ્રશંસનિય રહી છે. ક્રાઇમ બ્રાંચ અને પોલીસ દળના અન્ય વિભાગોની તથા ખાસ કરીને સાયબર ક્રાઇમ પર વોચ રાખતા ટેકનોલોજી વિભાગની કામગીરી પણ સરાહનીય રહી છે.

એવું કહેવું જરાય અતિસયોકતી નહીં લાગે. વાસ્તવમાં આપણે પોલીસને સારી કામગીરીને આવકાર આપવો જોઇએ સારૂ કામ થાય ત્યારે પ્રશંસા કરવી જોઇએ. માત્ર ટીકા કરવા ખાતર ટીકા કરવાની વૃતિથી આપણે પોલીસનું મનોબળ તોડવું જોઇએ નહીં.

બલ્કે ગુન્હાખોરીને ડામવાની દિશામાં પોલીસ વધુ કાર્યક્ષમ અને સચોટ રીતે સફળ કામગીરી કરે એ રીતે પોલીસ દળને પ્રોત્સાહન આપવું જોઇએ. વધુને વધુ અપરાધીઓ પકડાતા રહે, ગુન્હાનું ડિટેકશન કરવાની ટકાવારી સર્વોત્મ રહે અને આમ જનતા પોતાની જાતને સુરક્ષિત માનવા લાગે એ રીતે પોલીસને કામગીરી કરવાની પ્રેરણા અને પીઠબળ આપવા જરૂરી છે.

Read About Weather here

આશા છે કે સોશિયલ મીડિયાનો દુરઉપયોગ કરવાને બદલે તેનો રચનાત્મક ઉપયોગ થશે તો પોલીસ અને પ્રજા વચ્ચે એક સેતુ બનવાનું કામ કરી શકાશે જે સરવાળે સમગ્ર સમાજ માટે હિતકારક પુરવાર થશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here