ગુજરાતીઓ નમકની સાથે પેટમાં પધરાવે છે ‘પ્લાસ્ટીક’

ગુજરાતીઓ નમકની સાથે પેટમાં પધરાવે છે ‘પ્લાસ્ટીક’
ગુજરાતીઓ નમકની સાથે પેટમાં પધરાવે છે ‘પ્લાસ્ટીક’

ખાસ અભ્યાસમાં બહાર આવેલા ચોકાવી દેનારા તારણો: ગુજરાત અને તામિલનાડુમાંથી લેવાયેલા નમુનામાં પ્લાસ્ટીકનો ભાગ: શુધ્ધ નમક બનાવતી કંપનીઓના પેકેજીંગ સમયે પ્લાસ્ટીકના અંશ ભળી જતા હોવાની શંકા

ગુજરાતમાં ભોજન પ્રેમી ગુજરાતીઓ જાતજાતના રસપ્રચુર વ્યંજનોની થાળીઓ બનાવવા માટે અને આરોગવા માટે દેશભરમાં જાણીતા છે. પણ કોઇને એ ખબર નથી કે ગુજરાતીઓ જે જાતજાતના સ્વદીષ્ટ પકવાન આરોગે છે તેને લહેજતદાર બનાવવા માટે નાખવામાં આવતા નમકમાં પ્લાસ્ટીકનું પ્રમાણ હોવાનું બહાર આવ્યું છે.

આ રીતે ગુજરાતીઓ ભોજનમાં મીઠા એટલે કે નમકની સાથે પ્લાસ્ટીક પણ પેટમાં પધરાવી રહયા છે. ગુજરાત અને તામિલનાડુમાંથી લેવાયેલા નમુનાઓના પરીક્ષણમાં આવું ચોકાવનારૂ તારણ બહાર આવ્યું છે.

તામિલનાડુની ત્રણ યુનિવર્સિટી અને ગોવાના નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓસન રીર્સચ દ્વારા પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. બન્ને રાજયોમાં ખાદ્ય પદાર્થોમાં વપરાતા નમકના નમુના લઇને વૈજ્ઞાનીક ઢબે ચકાસણી કરવામાં આવી હતી. આ બન્ને રાજયો સૌથી મોટા નમક ઉત્પાદકો છે.

અહી દરીયા કાંઠે ઠેરઠેર મીઠાના અગર જોવા મળે છે. પરંતુ અજાણતામાં આ બન્ને રાજયોની પ્રજા નમકની સાથે મોટા પ્રમાણમાં પ્લાસ્ટીક પણ પેટમાં પધરાવી રહી છે. કંપનીઓ દ્વારા થતા પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટીકના થેલા, કટલેરી, પોલીયેસટર કાપડ, માછીમારીની ઝાળ, જેવા સાઘનોને કારણે તૈયાર થતા નમકમાં પ્લાસ્ટીકના ખુબ જ સુક્ષમ અંશ ભળી જતા હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાતમાંથી લેવાયેલા સેમ્પલમાં દર 200 ગ્રામ નમકમાં પ્લાસ્ટીકના સુક્ષમ એવા 46 થી 115 અંશ જોવા મળ્યા હતા. જેનાથી સંશોધકો પણ ચોકી ઉઠયા હતા. તામિલનાડુના સેમ્પલમાં દર 200 ગ્રામ નમકના જથ્થામાં 23 થી માંડી 101 જેટલા પ્લાસ્ટીકના અતિસુક્ષ્મ રજકણો ભળી ગયેલા જોવા મળ્યા હતા.

તામિલનાડુની પેરીયાર યુનિવર્સિટીના પ્રોફેસર અને જીયોલોજી વિભાગના વડા એ. વિદ્યાસાકરે જણાવ્યું હતું કે, નમક ઉત્પાદન કરતી કંપનીઓના પ્રોસેસીંગ અને પેકેજીન યુનિટમાં પ્લાસ્ટીકના સુક્ષમ રજકણો નમકના જથ્થામાં ભળી જતા હોય છે. હવામાં ઉડતા અને ફેંલાતા રજકણો પણ નમક સાથે ભળી જાય છે. અમે ઇચ્છીએછીએ કે આ રોજયો માઇક્રોપ્લાસ્ટીકનાં કણોને સમસ્યા ગણે અને કંપનીઓની મીઠુ રીફાઇન કરવાની પ્રક્રિયામાં સુધારો કરે.