હોટલ પર રોકાયેલી લક્ઝરી બસમાંથી વેપારીનો ૪ લાખ ભરેલો થેલો લઇ ગઠિયા ફરાર

નેશનલ હાઇવે નં-૪૮ ઉપર કરજણ નજીક હોટલ ઉપર ચા-નાસ્તા માટે રોકાયેલી લક્ઝરી બસમાંથી મુંબઇના મુસાફરનો રોકડ તથા સોનાના ઘરેણા મૂકેલો થેલો કોઇ ગઠિયો લઇ રફૂચક્કર થઇ ગયો હતો. ૪.૨૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ ગુમાવનાર આ મુસાફર પત્ની સાથે મુંબઇથી વતનમાં જતો હતો. આ મામલે કરજણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મુંબઇમાં લેટ નંબર-૯૦૨, સધવી ગેલેક્સી ૯મો માળ, દશમી ખેતવાડી, લેમીગટન રોડ ખાતે રહેતા કાંતિલાલ ધીરારામ પુરોહિત મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચીત્તલવાણા ગામના ખીરોડી ગામના વતની છે. તેઓ મુંબઇમાં રમકડાનો વેપાર કરે છે. ૧૯ ઓક્ટોબરના રોજ ખેતેશ્ર્વર ટ્રાવેલ્સની લકઝરી બસમાં પત્ની સાથે વતન જવા માટે નીકળ્યા હતા.

રાત્રે ૯થી ૧૦ વાગ્યાની આસપાસ લક્ઝરી બસ કરજણ હાઇવે ઉપર આવેલા બાબા રામદેવ હોટલમાં ચા-નાસ્તો કરાવવા માટે રોકાઇ હતી. બસમાં મુંબઇના વેપારી દૃંપતી સહિત ૧૫ જેટલા મુસાફરો મુસાફરી કરી રહૃાા હતા. હોટલ ઉપર બસ ચાલક, કંડક્ટર અને મુસાફરો હોટલમાં ચા-નાસ્તો કરવા ઉતર્યા હતા. દરમિયાન કોઇ ગઠિયો મુંબઇના મુસાફર કાંતિલાલ પુરોહિતની બેગ લઇ રવાના થઇ ગયો હતો.

મુંબઇના વેપારી કાંતિલાલ પુરોહિતે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે થેલામાં ૫ હજાર રૂપિયા રોકડા, સાડા ચાર તોલાનું મંગળસૂત્ર, બે તોલા વજનની સોનાની ચેઇન, ચાર નંગ સોનાની વીટી, સોનાના કાનના ઝુમ્મર અને સોનાનો ટીક્કો મળી કુલ ૪,૨૫,૦૦૦ રૂપિયાનો સામાન હતો. હોટલમાં જમીને પરત ફરેલા દૃંપતી બસમાં પરત ફરતા પોતાનો થેલો ન જોતા ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ બસ ચાલક અને ક્લિનરને જાણ કરી હતી. આ સાથે આ બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ હોટલ ઉપર દોડી આવી હતી અને બસમાં તમામ મુસાફરોના થેલાની ચકાસણી કરી હતી. જોકે, મુંબઇના દૃંપતી સહિત તમામના થેલા સહીસલામત જણાઇ આવ્યા હતા.