સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશો તો, કલેકટર સાહેબ ભલુ થશે તમારૂ…

સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશો તો, કલેકટર સાહેબ ભલુ થશે તમારૂ…
સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશો તો, કલેકટર સાહેબ ભલુ થશે તમારૂ…

નાયબ મ્યુ.કમિશનરની સારવાર માટે રાત્રે સિવિલ પહોંચેલા જિલ્લા કલેકટરને થયેલા અનુભવ બાદ આમ આદમીની વેદનાનો સાચો ખ્યાલ આવ્યો ખરો?: એક મહિલા તબીબની તાત્કાલિક ભુજ બદલી કરાઈ, પગલા લેવાયા એ સારી વાત પણ સામાન્ય જનતાને તો રોજેરોજ થતા કડવા અનુભવોનો અંત ક્યારે?
જો જિલ્લા કલેકટર અને લાગતા વળગતા અન્ય અધિકારીઓ સિવિલમાં લોકોને થતા અનુભવોનાં રોજીંદા અહેવાલ મંગાવી સમીક્ષા કરે તો એમની પણ આંખ ચાર થઇ જશે..!!: લોકોની સમસ્યાઓ પણ આવી રીતે તાકીદનાં ધોરણે હલ થાય તો અધિકારીઓને હજારો દર્દીઓનાં આશિર્વાદ મળે: વિશ્વાસુ સુત્રો મારફત કલેકટરે સમીક્ષા કરવી જરૂરી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ અને પરિજનોમાંથી મોટાભાગનાં દર્દી અને પરિજનોનો અનુભવ બિલકુલ સારો રહ્યો હોતો નથી. એ હકીકત આજે રાજકોટ શહેરનાં મીડિયાની આલમ હોય કે અધિકારી વર્ગ હોય તમામને ખબર છે. સિવિલ હોસ્પિટલનું તંત્ર ફરજ પાલનમાં ઉદાસીનતા, વર્તનમાં ઉધ્ધતાઈ, દર્દીઓને પારાવાર હેરાનગતિ, સારવારમાં બેદરકારીની ઘટનાઓ અવારનવાર બહાર આવતી રહે છે અને વખતોવખત મીડિયામાં પણ પ્રકાશિત થતી રહે છે. પરંતુ કોઈ પગલા લઈને આમ આદમીની વ્યથાનો અંત લાવવાના નિષ્ઠાભર્યા પ્રયાસો હજુ સુધી તો દેખાયા નથી. હા, એ અલગ વાત છે કે જો કોઈ વીઆઈપીને અચાનક સિવિલમાં આવવું પડે અને આવો ઉપર દર્શાવ્યો છે એ પૈકીનો કોઈપણ એક કડવો અનુભવ થાય તો પણ વીઆઈપી મારફત યુધ્ધનાં ધોરણે શિક્ષાત્મક પગલાનો આદેશ છોડવામાં આવ્યો હોય છે. આવો કપરો અનુભવ હમણાં જ રાજકોટનાં સર્વોચ્ચ અધિકારીને થયો છે અને જે રીતે કસુરવાર મહિલા તબીબની તાબડતોબ બદલી કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

એ જોતા સિવિલથી પ્રતાડિત થયેલી જનતાનાં મનમાં પણ ઊંડે-ઊંડે આશાનાં કિરણો ઝબૂકવા લાગ્યા છે. એમને એવી આશા જાગી છે કે, હવે એ ઉચ્ચ અધિકારી આમ જનતાને રોજેરોજ થતા પીડાદાયક અનુભવોની પણ નોંધ લઇ સામાન્ય જનતા માટે પણ સિવિલનાં વહીવટને નિષ્ઠાભર્યો અને માનવતાવાદી રૂપ આપવાના પ્રયાસો કરશે. જોઈએ હવે એ ઉચ્ચ અધિકારી એમને થયેલા અનુભવ પછી સિવિલનાં વહીવટ તરફ ચાંપતી નજર રાખે છે કે કેમ એ જોવાનું રહે છે અને સામાન્ય જન તો ઈશ્ર્વરને પ્રાર્થના કરવા લાગ્યા છે કે, ભલું થયું કે રાજકોટ જિલ્લા કલેકટર સાહેબ સિવિલમાં પધાર્યા અને એમને જાતે સ્ટાફ કઈ રીતે કામ કરે છે તેનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. જો એ અધિકારી સિવિલની આવી રીતે અવારનવાર મુલાકાત લેતા રહે અને સિવિલતંત્રની કામ કરવાની પધ્ધતિનો વખતોવખત અંદાજ લેતા રહે તો સિવિલનાં તંત્રમાં ઘણો બધો સુધારો લાવી શકાય તેમ છે.

રાજકોટ સિવિલનાં વહીવટીતંત્રમાં કેટલી ઉણપો, કેટલી ખામીઓ અને કેટલી ગંભીર પ્રકારની બેદરકારીનાં તત્વો સામેલ છે. તેનો આખો ઈતિહાસ માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્ર આખું જાણે છે. દર્દીઓ માટે રાજ્યસરકાર જાતજાતની સાધનો અને સવલતો વસાવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. સિવિલ હોસ્પિટલએ આમ આદમી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારજનો માટે અને દર્દીઓ માટે ખર્ચની દ્રષ્ટિએ સસ્તી અને સારવારની દ્રષ્ટિએ ઉત્તમ બની રહે એવો રાજ્યસરકારનો વ્યાયામ હોય છે. ગરીબ અને નીચલા મધ્યમ વર્ગનાં દર્દીઓને સર્વશ્રેષ્ઠ ગુણવત્તાવાળી છતાં સસ્તી સારવાર આપવાનો હેતુ હોય છે. ખૂદ રાજકોટનાં જિલ્લા કલેકટર અને નાયબ મ્યુ.કમિશનરને સ્ટાફની ઉધ્ધતાઈનો પ્રત્યક્ષ પરિચય થયો એ ઈશ્વરની કૃપાથી આમ જનતા માટે સિવિલમાં નવા યુગનું પ્રાગટ્ય કરશે કે કેમ તે આવનારો સમય બતાવશે. ભલું થયું કે, ખૂદ જિલ્લા કલેકટરને જાતે નરી આંખે જોવા મળ્યું કે અહીં તબીબો કઈ રીતે કામ કરે છે અને દર્દીઓ સાથે કેવું વર્તન કરે છે.

વાત એવી બની હતી કે, મનપાનાં નાયબ મ્યુ.કમિશનર એ.આર.સિંઘ ગુરૂવારે રાત્રે બેડમિન્ટન રમતી વખતે પડી ગયા અને હાથમાં ફેકચર થઇ ગયું હતું. એમની સાથે રમી રહેલા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ અને ઇન્કમટેક્ષ અધિકારી રોહિત કુમાર સહિતનાં ઉચ્ચકક્ષાનાં અધિકારીઓ સિંઘને તુરંત જ સિવિલનાં ઈમરજન્સી વિભાગ લઇ ગયા હતા. સારવાર શરૂ કરો એવું કહેતા હાજર મહિલા તબીબ ડો.હેમલતાએ કહી દીધું હતું કે પહેલા કેસ કઢાવો અને ફોર્મ ભરો પછી સારવાર ચાલુ થાય. મહિલા તબીબને જયારે કલેકટરે ઓળખાણ આપી ત્યારે હેમલતાનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. એ સમયે ત્યાં એક્સ-રે વિભાગમાં પણ કોઈ ટેક્નીશીયન અને સ્ટાફની હાજરી પણ ન હતી. કલેકટર અને અધિકારીઓ ચોંકી ગયા અને તુરંત જ સિવિલ અધિક્ષકને જાણ કરી હતી. મહિલાતબીબને યુધ્ધનાં ધોરણે બદલી કરીને છેક ભુજ જિલ્લાનાં આરોગ્ય કેન્દ્રમાં મૂકી દેવાયા હતા. હવે આખા લેખનો મર્બ અહીંથી શરૂ થાય છે. આજે ટોચનાં અધિકારી સાથે પણ આવું ગેરવર્તન થઇ જતું હોય અને તાકીદની સારવારમાં પણ ઢીલ બતાવવામાં આવતી હોય તો પગલા લેવાય એ ચોક્કસ આવકાર્ય છે. પરંતુ અહીં સિવિલમાં અલગ- અલગ વિભાગોમાં સારવાર લેવા કે દાખલ થવા આવતા સેંકડો દર્દીઓ અને પરિજનોને આવા અનુભવ રોજેરોજ અને પળે- પળે થાય છે. ત્યારે એમનું શું? આમ આદમીની કોઈ મુલ્ય નથી? એમની વેદનાઓની અને યાતનાઓની કોઈને પડી નથી? તેેવા પ્રશ્ર્નો લોકોમાં ચર્ચાઇ રહયા છે.

Read About Weather here

આમ આદમી હોય કેખાસ આદમી દરેકની ફરિયાદનો અને સમસ્યાનો એક જ માપદંડ મુજબ ઉકેલ લાવવો જોઈએ. સામાન્ય માનવી માટે કાટલાં જુદા અને વીઆઈપી ખાસ માટે અલગ કાટલાં એવું ચલાવી લઇ શકાય નહીં. સિવિલ હોસ્પિટલનાં તંત્રથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતા હવે એવું ઈચ્છે છે અને આશા રાખે છે કે, જિલ્લા કલેકટરે આરોગ્ય ખાતા પાસે લેવડાવેલું પગલું અપવાદરૂપ નહીં બની રહે. હવેથી જિલ્લા સમાહર્તા સિવિલ તંત્રની કામગીરીનો અંદાજ મેળવવા માટે એમના વિશ્વાસુ સુત્રોમારફત અહેવાલો મંગાવી રોજેરોજ નહીં તો કમસેકમ સાપ્તાહિક સમીક્ષા કરે અને દર્દીઓને થતી સમસ્યાઓમાં નિરાકરણ માટે આવી જ ઉતાવળ બતાવે તો હજારો લોકોને એમના આશિર્વાદ મળતા થશે. સિવિલતંત્રમાં દર્દીઓને સસ્તી, સારી સારવાર મળે અને એમની સાથે માનવતાની રાહે તે દિશામાં સિવિલનાં તંત્રને કામ કરતુ કરવામાં રાજકોટનાં વરિષ્ઠતમ અધિકારી મામલો હાથમાં લે એવી પ્રચંડ લોકલાગણી સંભળાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here