રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલમાં અગ્નિ સુરક્ષાની ઐસીતૈસી..!!

રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલમાં અગ્નિ સુરક્ષાની ઐસીતૈસી..!!
રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલમાં અગ્નિ સુરક્ષાની ઐસીતૈસી..!!

હોસ્પિટલમાં એક્સપાયરી ડેટના ફાયર સેફટી બાટલા જીવતા બોમ્બની જેમ હોસ્પિટલની અંદર દીવાલો પર લટકી રહ્યા હોવાનો ચોંકાવનારો ધડાકો; હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે બેદરકાર, મનપાના ફાયર એન્ડ સેફટી વિભાગને પણ જાણકારી નથી?

રાજકોટ મહાનગરની મધ્યમાં અને ભરચક અવર-જવર તથા હેવી ટ્રાફિકવાળા ગુંદાવાળી વિસ્તારમાં આવેલી પદ્મ કુંવરબા સરકારી હોસ્પિટલમાં તંત્રવાહકોની બેદરકારી અને ગફલતને કારણે અગ્નિ સુરક્ષાના નીતિ-નિયમો અભેરાઈ પર ચડાવી દેવાયા હોવાની ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, જ્યાં દરરોજ સેંકડો દર્દીઓ અને પરિવારજનોની અવર-જવર રહે છે અને જ્યાં પ્રસૃતિ વિભાગ આવેલો છે એવી આ મહત્વની હોસ્પિટલની અંદર એક્સપાયરી ડેટના અગ્નિશમન બાટલા હજુ પણ દીવાલો પર ટીંગાડી રાખવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે સેંકડો દર્દીઓ, નવજાત શિશુઓ, ધાત્રી માતાઓ અને પ્રસૃતા બહેનોના જાન પર ગંભીર ખતરો મંડાઈ રહ્યો છે. આટલી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં ન તો હોસ્પિટલ તંત્ર સજાગ થયું છે કે ન તો મનપાના ફાયર સેફટી વિભાગ દ્વારા કોઈ પગલા લેવાયા છે..!! પરિણામે હોસ્પિટલ ગમે ત્યારે કોઈ ગંભીર દુર્ઘટનાનો ભોગ બને તેવી ગંભીર ભીતિ ઉભી થવા પામી છે. અહીં આવનારા અને અવર-જવર કરનારા લોકો એમના માથા પર લટકતી મોતની તલવારથી બેખબર છે.

હોસ્પિટલની અંદર પ્રવેશદ્વાર પાસે અને લોબીમાં, ડીલીવરી વિભાગના દીવાલ પર, તેમજ ઓપીડી પાસે બાટલા એવા જોવા મળ્યા છે જેમાં તાત્કાલિક ધોરણે રિ-ફીલિંગ કરાવવું પડે તેમ છે તેમ છતાં મુદ્દત વીતી ગયેલા બાટલા દર્દીઓના જાનના જોખમે દીવાલો પર લટકાવી રાખવામાં આવ્યા છે. રિ-ફીલિંગ ન થયેલા બાટલા અહીંથી હટાવવાની તસ્દી પણ લેવામાં આવી નથી. જેનો અર્થ એ થયો કે બાટલાઓની ડેટનું સ્ટાફ તરફથી કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી અને લાલ્યાવાડીની જેમ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. અહીં આપેલી તસ્વીરોને ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવી જશે કે, પદ્મ કુંવરબા હોસ્પિટલનું તંત્ર ઘોર, ગંભીર રીતે બેદરકાર છે અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે. તસ્વીરમાં રિ-ફીલિંગની ન્યુ ડેટ બાટલા પર સ્પષ્ટ જોઈ શકાય છે. રિ-ફીલિંગની મુદ્દત પણ પૂરી થઇ ચુકી છે. તેને પણ એક મહિના જેવો સમયગાળો થઇ ગયો છે.

તેમ છતાં બાટલાની ચકાસણી પણ કરાઈ નથી કે રિ-ફીલિંગ પણ કરાવાયા નથી. બાટલા પર સ્પષ્ટ વાંચી શકાય છે કે રિ-ફીલિંગની ન્યુ ડેટ 31/12/2022 છે. આ બાટલાનું ઉત્પાદન વર્ષ 2021 લખેલું છે. એટલે એ સ્પષ્ટ બને છે કે, એક્સપાયરી ડેટનો બાટલો અહીં લટકાવી રાખવામાં આવ્યો છે. એક બાટલા પર તો રિ-ફીલિંગની ન્યુ ડેટ 12/2022 લખી છે છતાં રિ-ફીલિંગ કરાવ્યા વિના બાટલો લટકાવી રાખીને હોસ્પિટલનું તંત્ર હજારો લોકોના જાન જોખમમાં મુકવાની દર્શન કરાવી રહ્યું છે. ઘણાબધા સવાલો ઉભા થયા છે તેનો તંત્રવાહકોએ જવાબ આપવાનો રહે છે. મનપાના ફાયર એન્ડ સેફટી વિભાગે પણ અનેક સવાલોના જવાબ આપવાના રહે છે.

એક્સપાયરી ડેટવાળા બાટલા અહીં હજુ કેમ રાખી મુકવામાં આવ્યા છે? શું હોસ્પિટલ તંત્રને અગ્નિ સુરક્ષા જેવા ખુબ જ મહત્વપૂર્ણ મામલામાં પણ બાટલા તરફ જોવાનો સમય મળતો નથી? ડેટનું ચેકિંગ કમ કરવામાં આવ્યું નથી? જો ચેકિંગ થયું હોય તો બાટલાઓની ચકાસણી અને રિ-ફીલિંગ કમ કરવામાં આવ્યા નથી? શું હોસ્પિટલના તંત્રવાહકો કોઈ દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યા છે? આવડી મહત્વની હોસ્પિટલમાં જ્યાં મોટી સંખ્યામાં નવજાત શિશુઓ, ધાત્રી માતાઓ અને પ્રસૃતા મહિલાઓ સારવાર હેઠળ હોય ત્યાં આવી બેદરકારી પાલવે ખરી? શું હોસ્પિટલ તંત્ર અને તેના વહીવટકર્તાઓને બાળકો અને માનવ જીવનનું કોઈ મૂલ્ય નથી? મનપાના ફાયર એન્ડ સેફટી વિભાગ દ્વારા જો નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યાના દાવા સાચા હોય તો પદ્મ કુંવરબા હોસ્પિટલ પૂરતા મનપાના દાવા પોકળ પુરવાર થઇ રહ્યા છે.

રાજકોટમાં એક હોસ્પિટલમાં ગંભીર અગ્નિકાંડ સર્જાયો હતો અને જાનહાની થઇ હતી એ ઘટનાને હજુ શહેરીજનો ભૂલ્યા નથી. ત્યારે પદ્મ કુંવરબા હોસ્પિટલમાં તો આવા 1 થી વધુ એક્સપાયરી ડેટના બાટલા જીવતા બોમ્બની જેમ રાખી મુકવામાં આવ્યા હોય ત્યારે એ સ્પષ્ટ ફલિત થાય છે કે, હોસ્પિટલ તંત્ર ગુનાહિત રીતે બેદરકારીની પ્રદર્શન કરી રહ્યું છે. સેંકડો લોકોના જાન જોખમમાં મૂકી દેવામાં આવ્યા છે. જો કોઈ અગ્નિકાંડ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર આગ લાગે ત્યારે કુવો ખોદવા જશે?

Read About Weather here

મનપાના ફાયર એન્ડ સેફટી વિભાગના વારંવાર હોસ્પિટલોની ચકાસણી થતી હોવાના દાવા કરવામાં આવે છે, શું મનપાના મુખ્ય ફાયર સેફટી અધિકારી અને એ-વિભાગની ટીમોએ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં નજર નાખી છે ખરી? અહીં ચેકિંગ કરીને તંત્રની કેમ પોલ ખોલવામાં આવી નથી? આ તમામ સવાલોના જવાબ શહેરીજનો માંગી રહ્યા છે. હોસ્પિટલમાં લટકતા જીવતા બોમ્બ તાત્કાલિક હટાવી રિ-ફીલિંગ કરાવી મુકવામાં આવે તે જરૂરી છે. આટલી ગંભીર બેદરકારી બદલ કોણ જવાબદાર છે તેની તપાસ કરીને જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે એવી જોરદાર લોકલાગણી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here