ચૂંટણી દરમ્યાન દારૂની હેરાફેરી મોટાપાયે થતી હોય છે તેને ધ્યાનમાં રાખીને રાજયમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનનો સમય પૂર્ણ થાય ત્યાં સુધીના કુલ 48 કલાકના સમયગાળા દરમ્યાન ગુજરાતમાં ડ્રાય ડે જાહેર કરાયા છે. આ ઉપરાંત 4 જુને મત ગણતરી યોજાવાની છે તે દિવસે પણ ડ્રાય ડે જાહેર કરવા સાથે ચૂંટણી પંચ દ્વારા રાજયના ગૃહ વિભાગને સૂચના આપવામા આવી છે. તેના કારણે પરમીટધારકોને પણ લાયસન્સ ધરાવતી અને દારૂ પીરસતી હોટેલ-રેસ્ટોરન્ટ વિગેરે દારૂનુ વેચાણ કરી શકશે નહીં. દરમ્યાન ચૂંટણી પંચની 756 ફલાઈંગ સ્કવોડે સપાટો બોલાવીને અત્યાર સુધીમાં 7.37 કરોડ રૂપિયાનો દારૂ મળીને કુલ 42.62 કરોડની ચીજવસ્તુ જપ્ત કરવામા આવી છે.
ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતી અને અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે 7 મે એ મતદાન યોજાવાનુ છે ત્યારે અને 4 જૂને મત ગણતરીના દિવસે સમગ્ર રાજયમાં ડ્રાય ડે રહેશે. 7 મેએ મતદાન પૂર્ણ થવાના નિર્ધારીત કલાક સાથે પૂરા થતા 48 કલાકના સમયગાળા દરમ્યાન દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ જાહેર કરવામા આવે છે. આ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા નશાબંધી અને આબકારી નિયામકને સૂચના પણ આપી દેવામા આવી છે. જેમની પાસે દારૂ વેચવાનુ લાયસન્સ કે પરમીટ છે તેઓ પણ આલ્કોહોલનુ વેચાણ કરી શકશે નહીં. ગીફટ સીટીમાં પણ આ નિયમ લાગુ પડશે.ગુજરાતમાં 7 મે અને 4 જૂને ડ્રાય ડે જાહેર: પરમીટધારકોને પણ દારૂનુ વેંચાણ નહીં થઈ શકે