ગુજરાતમાં મૌસમ બન્યું મસ્ત, 4 દિવસમાં વરસાદ થવાની આગાહી

ગુજરાતમાં મૌસમ બન્યું મસ્ત, 4 દિવસમાં વરસાદ થવાની આગાહી
ગુજરાતમાં મૌસમ બન્યું મસ્ત, 4 દિવસમાં વરસાદ થવાની આગાહી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં મોટાભાગનાં શહેરોમાં ગઈકાલ રાતથી પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઇ ગઈ હોવાનું દર્શાવી હવામાન ખાતાએ આગામી 4 દિવસમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ જવાની આગાહી કરી છે. આજે સવારથી રાજ્યમાં મૌસમનો મિજાજ એકદમ મસ્ત બની ગયો છે. ઘેઘુર કાળા વાદળો આભની અટારીએ હડિયાપટ્ટી કરવા લાગ્યા છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક મહેસુસ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે સવારથી જ સૌરાષ્ટ્રનાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જેવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળો છવાયા છે. અંદાજે 20 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના પગલે આકરી ગરમીથી લોકોને રાહત થઇ છે. તાપમાન હજુ ઘટે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ગઈરાત્રે વરસાદ શરૂ થયો છે. સુરતમાં પણ વાદળો ઉમટી પડ્યા હતા અને ગઈરાતથી વરસાદ શરૂ થઇ ગયો હતો. સુરતમાં ભારે પવન ફૂંકાવા સાથે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. રસ્તા પર આડા પડેલા વૃક્ષોને હટાવવા અને ટ્રાફિક ચાલુ રાખવા ફાયરબ્રિગેડ અને મનપાની ટીમો દોડતી રહી હતી. આ રીતે ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઇ ગઈ છે. ગઈકાલ રાતથી ક્યાંક વરસાદ પડ્યો છે તો ક્યાંક છાંટા પડ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દક્ષિણ ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભરચોમાસા જેવું વાતાવરણ દેખાઈ છે. પાટણ, સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લા વિસ્તારોમાં પણ કાળા વાદળો ઉમટી આવ્યા છે.

દરમ્યાન રાજસ્થાનમાં ચોમાસું ખેંચી લાવતી થર્મલ લો-સિસ્ટમ રચાઈ ગઈ છે. જેના પગલે રાજ્યનાં વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે. આગામી 4 દિવસમાં અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ શરૂ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. પ્રતિકલાક 20 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.
હવામાન નિષ્ણાંત જણાવે છે કે, રાજસ્થાનમાં ચોમાસું સિસ્ટમ સક્રિય બની જેની અસરથી સખત પવન અને ધૂળની ડમરીઓને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ભારે પવન દક્ષિણ વિસ્તારમાંથી ભેજ ખેંચી લાવે છે જેની અસરથી ઘટાટોપ વાદળો બને છે અને વરસાદ આવવાની પૂરી શક્યતા રહે છે.

Read About Weather here

છેલ્લા બે દિવસથી તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં 40 ડિગ્રી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં સવારે ગરમી વધુ હતી પણ બપોર બાદ વાતાવરણ વાદળછાયું બની જતા ગરમી ઘટી હતી. સુરતમાં ભારે પવનથી 65 જેટલા વૃક્ષો પડી ગયાનું નોંધાયું હતું. રાત્રે વરસાદનાં ઝાપટાં પણ પડ્યા હતા અને ગરમીથી શેકાતા લોકોને ભારે રાહતનો અનુભવ થયો હતો. ગુજરાતમાં ચોમાસું વહેલું નહીં તો સમયસર બેસી જાય અને પૂરતા પ્રમાણમાં વરસાદ આવે તેવી ગામેગામ પ્રાર્થના કરવામાં આવી રહી છે. કેમ કે રાજ્યનાં તમામ મોટા અને મહત્વનાં જળાશયોમાં પાણીનો જથ્થો ખુંટવાની તૈયારીમાં છે. ઘણા ગામોમાં અત્યારથી જળસંકટ ગંભીર બની ગયું છે. જળાશયોમાં પાણી લગભગ તળીએ પહોંચી ગયું હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના નાના-મોટા મળીને 141 ડેમોમાં 29 ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો બચ્યો હોવાનો સતાવાર રીતે જાણવા મળે છે. મેઘરાજા જલ્દી પધારે તથા પૂરતા પ્રમાણમાં વરસાદ થાય તો સૌરાષ્ટ્રનું જળસંકટ હળવું થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here