ખોડલધામ ખાતે આયોજિત 7મા પાટોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ખોડલધામની સ્થાપનામાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સહયોગ બદલ આભાર દર્શન કરતા ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ
જી-20 સમિટની ગુજરાતમાં યોજાનારી 15 ઇવેન્ટસ ગુજરાતની પ્રગતિને વૈશ્ર્વિક ફલક પર લઇ જશે
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે આયોજીત સાતમાં પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસના મૂલ્યો આધારિત રાજનીતિનું ભારતને વિશ્ર્વગુરૂ બનાવવામાં મહત્વનું યોગદાન છે. વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિ ભર્યા નેતૃત્વને લીધે આ શક્ય બન્યું છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
રાજયના ખેડૂતોનુ હિત સદા હૈયે હોવાનું જણાવતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ આ પ્રસંગે કહ્યું હતું કે, ખેડૂતોના ઉત્કર્ષ માટે રાજય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે.જે માટે રાજય સરકારે વિવિધ કૃષિ કલ્યાણ લક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે.આગામી જી-20 સમિટનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં જી – 20 સમિટની કુલ 15 ઈવેન્ટ્સ યોજાશે.જે રાજ્યની પ્રગતિ વૈશ્ર્વિક ફલક પર લઈ જશે. આઝાદી મેળવ્યાનાં 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 2047 ની સાલમાં ગુજરાતનું સ્થાન અગ્રિમ હરોળનું હશે એવો આશાવાદ પણ મુખ્ય મંત્રીએ આ તકે વ્યકત કર્યો હતો.
ખોડલધામ ટ્રસ્ટને સામાજીક સમરસતાના પ્રણેતા તરીકે ઓળખાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ વાતનો હર્ષ વ્યક્ત કર્યો હતો કે ખોડલધામ વિશ્ર્વનું એક માત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકે છે.વિભાજિત વિશ્ર્વમાં સંગઠનની પ્રેરણા પૂરી પાડતા આસ્થા વિચારના કેન્દ્ર તરીકે ખોડલધામ વિશ્ર્વને હંમેશા પ્રેરણા પૂરું પાડતું રહેશે,એવો ભાવ પણ તેમણે આ તકે વ્યક્ત કર્યો હતો.
સમાજહિત અને રાષ્ટ્રહિતના ધ્યેય સાથે કાર્યરત થયેલા ખોડલધામ ટ્રસ્ટને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ મુખ્ય મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર પરિસરમાં પથરાયેલી 650 મૂર્તિઓ તથા પ્રદક્ષિણા પથ પર રજૂ થયેલી પાટીદારોની ગૌરવગાથા બદલ મુખ્યમંત્રીએ ખોડલધામ પ્રાંગણની મુકત મને સરાહના કરી હતી.ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકારતા કહ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે. તેને મંદિર પૂરતો સીમિત ન રાખતાં રાષ્ટ્ર કલ્યાણ સુધી પહોંચાડવાનું કાર્ય ઉપસ્થિત સૌએ કરવાનું છે. ખોડલધામની સ્થાપનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો સહયોગ મળવા બદલ નરેશભાઇએ આભાર માન્યો હતો. જરૂરી સુવિધાઓથી ખોડલધામ આજે ભવ્યાતિભવ્ય બન્યું છે, સરકારના સાથ સહયોગથી આ શક્ય બન્યું છે તે બદલ મૃદુ અને મક્કમ એવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આ તકે આભાર વ્યક્ત કર્યો હતો અને 21/1/2027 માં ભવ્યાતિ ભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી.ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારોમાં જુદા જુદા પાંચ જન સુખાકારીના પ્રકલ્પોની પણ નરેશભાઇએ જાહેરાત કરી હતી.જે અંતર્ગત આરોગ્ય, શિક્ષણ અને સ્પોર્ટસના સુવિધા સભર સંકુલો બનાવવામાં આવશે. આજના પાટોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 41 ટ્રસ્ટીઓને નવ નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં અનારબેન પટેલનો નવા મહિલા ટ્રસ્ટી તરીકે સમાવેશ કરાયો હતો.
Read About Weather here
સમારંભ સ્થળે આવતાં પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મુખ્ય મંદિર ખાતે ધ્વજા ચડાવી હતી. મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે ઉપસ્થિતોનું અભિવાદન ઝીલતા ઝીલતા કાર્યક્રમ સ્થળે આવ્યા હતા. ઉપસ્થિત જનસમુદાયે મુખ્ય મંત્રીને ફુલડે વધાવ્યા હતા. ટ્રસ્ટી દિનેશભાઇ કુંભાણીના સ્વાગત પ્રવચન બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ખોડલધામની ગાથા વર્ણવતી ટુંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ આ પ્રસંગે રજૂ કરાઇ હતી.
આયોજકો તથા અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇનું હાર, માતાજીની છબી, ખેસ, શાલ તથા સ્મૃતિ ચિન્હથી સન્માન કર્યું હતું તમામ આમંત્રિતોનું આયોજકો તરફથી ખેસથી સ્વાગત કરાયું હતું. ખોડલધામ ટ્રસ્ટના નવા નીમાયેલા ટ્રસ્ટીઓને ખેસ પહેરાવી આયોજકોએ આવકાર્યા હતા. ખોડલધામની બહેનોએ ગણેશવંદનાથી મુખ્ય મંત્રીને આવકાર્યા હતા. ટ્રસ્ટી પ્રવિણભાઇ જસાણીએ આભારવિધિ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here